ટોરેન્ટના ફ્યૂઅલ ચાર્જમાં 22 પૈસાનો વધારો

અમદાવાદ– અમદાવાદ અને ગાંધીનગરના વીજળીના ગ્રાહકોને ઉનાળામાં હવે વધુ તાપ લાગશે, કેમ કે ટોરેન્ટ પાવર લિમીટેડ દ્વારા ફ્યૂઅલ ચાર્જમાં યુનિટ દીઠ 22 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ટોરેન્ટ પાવરે એફપીપીપીએમાં વધારો કરવા માટે જર્ક સમક્ષ કરેલી રજૂઆતને ધ્યાનમાં લઈને જર્કે તેને મંજૂર કર્યો છે. ટોરેન્ટ પાવર દ્વારા કરવામાં આવેલા ફ્યૂઅલ ચાર્જમાં વધારાને કારણે 200 યુનિટ વાપરતા ગ્રાહકોના બીલમાં રૂપિયા 60-65નો બોજો પડશે. હાલ વીજદર યુનિટ દીઠ રૂપિયા 1.54 છે, તેમાં 22 પૈસાના વધારા સાથે હવે યુનિટ દીઠ રૂપિયા 1.76 થશે. નવા વીજ બિલમાં આ ભાવ વધારો અમલી બનશે. હાલ 200 યુનિટ દીઠ રૂપિયા 3.90નો રેટ અમલી છે, નવા દર વધારા તેમજ ટેક્સ સાથે અન્ય વધારાને ધ્યાનમાં લેતાં યુનિટ દીઠ અંદાજે રૂપિયા 4.25 થશે. વીજ દરમાં વધારો એપ્રિલ, 2018થી અમલી બનશે.

આમ એપ્રિલ પછીનું વીજબિલ નવા ભાવની ગણતરી સાથેનું આવશે. જો વીજ ગ્રાહક 200 યુનિટના વીજ વપરાશ માટે રૂપિયા 400નું વીજબિલ આવતું હોય તો તેના બિલમાં અંદાજે રૂપિયા 60ના વધારા સાથે રૂપિયા 460નું બિલ આવશે.