દેશભરના તાલીમી આઈપીએસ યુવાઓ ભણ્યાં ગુજરાત સીએમ પાસે પાઠ…

0
1446

ગાંધીનગર- ર૦૧૮ની તાલીમી IPS બેચના આ અધિકારીઓ તેમના તાલીમ-અભ્યાસના ભાગરૂપે ૧પ દિવસ માટે વિવિધ રાજ્યોની મૂલાકાત જે-તે રાજ્યની સાંસ્કૃતિક અને સામાજિક ગતિવિધિઓ તેમજ ફિલ્ડ ફંકશનિંગની જાણકારી મેળવવાના હેતુસર લેતાં હોય છે. આ અંતર્ગત રર જેટલા તાલીમી IPS યુવાઓ ગુજરાતની મુલાકાતે આવેલા છે.

હૈદરાબાદની નેશનલ પોલીસ એકેડમીમાં R.R-71 બેચ અંતર્ગત ૧૪૯ IPS તાલીમાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે તેમાં ૧૫ તાલીમાર્થી નેપાલ, ભૂતાન અને માલદીવ ટાપુઓના છે. આ ૧૪૯માંથી ૨૨ તાલીમી IPSની બેચ ગુજરાત પ્રવાસે છે તેમણે રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત પણ લીધી હતી.

મુખ્યપ્રધાને આ યુવા તાલીમી અધિકારીઓને ગુજરાતની સુદ્રઢ કાયદો વ્યવસ્થા, સી.સી.ટી.વી. સર્વેલન્સ નેટવર્ક, સાયબર સિકયુરિટીમાં અદ્યતન તકનીક વિનિયોગ અને ડ્રોન ટેકનોલોજી સહિતના આયામોની વિસ્તૃત સમજ આપી હતી. તેમણે તાલીમાર્થીઓને જણાવ્યું કે, કોઇ પણ રાજ્યમાં પબ્લીક સર્વિસીસ – જાહેર સેવાઓમાં IPS, IASની ભૂમિકા મહત્વની હોય છે.આ સંદર્ભમાં વિજય રૂપાણીએ અરજદાર કે રજૂઆતકર્તા પ્રત્યે સંવેદનશીલ અને સૌજન્યપૂર્ણ વ્યવહારની શીખ આપતાં કહ્યું કે, પદ સાથે પ્રતિષ્ઠા ત્યારે જ મળે છે જ્યારે સામાન્ય માનવીના હ્વદયમાં સંનિષ્ઠ અધિકારી તરીકે કોઇ વ્યક્તિ પ્રસ્થાપિત થાય તેવા વ્યવહાર-વર્તન હોય. તેમણે આ યુવાઓને પ્રેરણા આપતાં ઉમેર્યુ કે, ઇશ્વરે જનસેવા કરવાના જે અવસર આવી ઉચ્ચ સર્વિસ દ્વારા આપ્યા છે તેને ભલીભાંતિ નિભાવી રાષ્ટ્ર-રાજ્યનું ગૌરવ વધારવાનું દાયિત્વ યુવા પેઢી નિભાવે.

મુખ્યપ્રધાને ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી જેવી વર્લ્ડ કલાસ યુનિવર્સિટીઓ અને  ગૂનાખોરી ડામવા, ગૂના સંશોધન નિયંત્રણ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો ગુજરાત પ્રયોગ દેશ અને દુનિયામાં આકર્ષણ બન્યો છે તેની પણ ભૂમિકા આપી હતી.

વિજય રૂપાણીએ ગુજરાતમાં પોલીસદળમાં પારદર્શી ભરતી, ઉચ્ચશિક્ષા ધરાવતા યુવાકર્મીઓ તેમજ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પોલીસ દળ સજ્જ-સક્ષમ છે તેમ પણ આ તાલીમી IPS યુવાઓ સાથે સહજ સંવાદ સાધતા જણાવ્યું હતું.