અમદાવાદની લેખિકાએ કર્યું શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર

અમદાવાદ: શ્રીમદ ભાગવત મહાપૂરાણ ‘શ્રીધરી ટીકા’ એ 600 વર્ષ પહેલાં લખાયેલો એક પૌરાણિક ગ્રંથ છે. હવે સૌ પ્રથમ વાર આ મૂળ ગ્રંથમાંથી કોઈ અન્ય ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું છે. અમદાવાદનાં સ્કોલર અને લેખિકા વૈદેહી પાર્થિવકુમાર અધ્યારૂ દ્વારા તેનો અનુવાદ કરવામાં આવ્યો છે.18 ઓકટોબરના રોજ અમદાવાદમાં જે બી ઓડિયોરિયમ, એએમએ ખાતે આ ગ્રંથોનુ સ્વામિ વિદિત્માનંદજીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ ગ્રંથનુ પ્રકાશન ગીતા પ્રેસ, ગોરખપુર દ્વારા કરવામાં આવ્યું છે.

શ્રીમદ ભાગવત પૂરાણના 12 સ્કંધના 18,000 શ્લોકનું ભાષંતર અને તેની સાથે શ્રીધર મહારાજનું તેની ઉપરનું વિવેચન સાથેના પાંચ ગ્રંથના સેટ અને દરેક સેટમાં અંદાજે 1000 પાના એમ આશરે કુલ ૫૦૦૦ પાનામાં ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થઈ રહી છે.

વૈદેહી પાર્થિવકુમાર અધ્યારૂ છેલ્લા 18 વર્ષથી આ ટ્રાન્સલેશન પ્રોજેકટ ઉપર  કામ કરી રહ્યાં હતાં. આ ધાર્મિક સાહિત્યની સાચવણી તથા પ્રચાર માટે તેમણે અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે. તેમણે સંસ્કૃતના અટપટા શ્લોકોનુ ખુબ જ સરળ ભાષામાં ભાષાંતર કર્યું છે. તેમનો પરિશ્રમ ઘણા રિસર્ચ સ્કોલર, સંસ્કૃતના ચાહકો  અને વાચકોને  કામે લાગશે કારણ કે આ ગ્રંથોની મદદથી  તથા અનુવાદને કારણે  આ વિષયને ઉંડાણપૂર્વક સમજી શકશે.