અમદાવાદઃ 15 વર્ષના બાળકે કર્યું અદભૂત લેગો સિટીનું પ્લાનિંગ

અમદાવાદઃ કહેવાય છે કે લક્ષ્ય જ્યારે મનુષ્યનું ચોક્સ અને સ્વપ્ન પૂરા કરવા માટે જેણે ગાંઠ વાળી જ લીધી હોય તેને સફળ થવા માટે સ્વયં ઈશ્વર મદદ કરે છે. ધીરજ અને ખંત વડે અવરોધો અને ઉંમરનો બાધ દૂર કરીને કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ શહેરના 15 વર્ષની વયના રૌનક કટારીયાએ પૂરૂ પાડ્યું છે. અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલના આ વિદ્યાર્થીએ આધુનિક અને કુદરતી તત્વોનો અદભૂત સમન્વય  કરતા 144 ચોરસ ફૂટના લેગો સિટીનું સર્જન કર્યું છે. આમાં આકાશને આંબવા પ્રયાસ કરતાં ઉંચાં મકાનો, નાસા સેન્ટર, એરપોર્ટ, હેલીપેડ, કાર વર્કશોપ્સ અને એટીએમ ગ્રેબ સ્ટેશન, બોટાનિકલ ગાર્ડન, સમુદ્ર, પર્વતોનો નજારો વગેરે અદભૂત છે.

સર્જનાત્મક માનસ તથા દરેક બાબતમાં ભારે જીજ્ઞાસા ધરાવતા રોનકે લેગો સીટી તૈયાર કરવાની કામગીરી તે 8 વર્ષનો હતો ત્યારથી જ ચાલુ કરી દીધી હતી. તેને ભેટમાં મળેલા લેગો સેટ્સને કારણે તેને લાઈફ સાઈઝ લેગો ટાઉનશિપનુ નિર્માણ કરવાની પ્રેરણા મળી હતી. તેણે ઝીણવટથી નગર આયોજન કર્યું છે તેમાં તેના 3 વર્ષના પ્રયાસો દેખાઈ આવે છે. તેણે બ્લોક્સ જોડીને અસરકારક ટાઉન પ્લાનીંગ કર્યું છે. એમાં શહેરની સલામતી માટે ફાયર બ્રીગેડનો પણ સમાવેશ કર્યો છે. આ ઉપરાંત તેણે મોડેલ સીટીની રચનામાં પાર્લામેન્ટ હાઉસનો પણ સમાવેશ કર્યો છે. લેગો પ્રવૃત્તિ સંકલન શકિત ગાણિતીક થીંકીંગ, સમસ્યા નિવારણ  તથા સંવાદનુ ઉત્કૃષ્ઠ કૌશલ્ય, દ્રઢ નિશ્ચય અને સમસ્યા ઉકેલની પદ્ધતિ માગી લે છે.