રાજકોટમાં સ્વાઈનફ્લુનો કેર, વધુ ત્રણના મોત થતા તંત્ર દોડતું થયું

રાજકોટઃ રાજકોટમાં સ્વાઇન ફ્લુએ આજે વધુ ત્રણ લોકોનો ભોગ લીધો છે. 2019ના વર્ષમાં 24 દિવસમાં 15 દર્દીઓ મોતને ભેટતા તંત્ર દોડતું થયું છે. આજે રાજકોટ, ભાવનગર અને જૂનાગઢના ત્રણ વૃદ્ધના સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થયા હતા.

બે દિવસ પહેલા એક જ દિવસમા ત્રણના મોત થયા હતા. ત્યારબાદ ગઇકાલે એકનું મોત થયું હતું. આજે એકીસાથે ત્રણ દર્દીના મોત થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. 24 દિવસમા કુલ 75 કેસ પોઝિટીવ નોધાયા છે. આજે પણ રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 32 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. મહાનગરપાલિકા અને જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. સૌરાષ્ટ્રભરમાંથી સ્વાઇન ફ્લુના દર્દીઓ રાજકોટ સારવાર માટે આવતા હોવાથી અહીં મૃત્યુદરના આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે તેવું તંત્ર જણાવી રહ્યું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ મનિષ મહેતાએ જણાવ્યું હતું કે, H1N1 વેક્સીન ખૂટી ગઇ છે. સ્વાઇન ફ્લુ વોર્ડમાં કામ કરતા કર્મચારીઓને આ વેક્સીન અપાય છે જે ખૂટી ગઇ છે. આ વેક્સીનથી કર્મચારીઓને સ્વાઇન ફ્લુ સામે રક્ષણ મળે છે. દેશની એક પણ હોસ્પિટલમાં આ પ્રકારની વેક્સીન નથી. વેક્સીનનું ઉત્પાદન કરતી કંપનીએ વેક્સીન આપવાનું બંધ કર્યું છે.