જીટીયુના 28 સ્ટાર્ટ અપ પ્રોજેક્ટને 14 લાખની પ્રાથમિક સહાય

અમદાવાદ: નીતિ આયોગ અંતર્ગત કાર્યરત અટલ ઇનોવેશન મિશન તરફથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને ફાળવવામાં આવેલા ભંડોળમાંથી ડો. એ.પી.જે અબ્દુલ કલામ મેમોરિયલ લેક્ચર સિરીઝનો આજથી શુભારંભ થયો છે. રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના હસ્તે તેના સૌપ્રથમ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં રાષ્ટ્રીય સ્ટાર્ટ અપ શિખર પરિષદમાં શ્રેષ્ઠ સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ તરીકે જીટીયુને બીજું ઈનામ પ્રાપ્ત થયું હતું. આ ઇનામમાંથી મળેલી રકમનો ઉપયોગ આ લેક્ચર સિરીઝમાં કરવામાં આવશે. આમાં વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકોને સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટી અને ઇનોવેશન વિશે માર્ગદર્શન આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે આ શ્રેણીની શરુઆત જેમને ઇનોવેશનના ગુરુ ગણી શકાય એવા આઇ.આઇ.એમના ભૂતપૂર્વ પ્રોફેસર અનીલ ગુપ્તાના માર્ગદર્શન સાથે થઈ રહી છે. તેમણે શરૂ કરેલી શોધયાત્રા અને રાષ્ટ્રપતિ ભવનમાં ઈનોવેશન ફેસ્ટીવલ યોજવા સહિત હાથ ધરેલા કેટલાક સમાજ ઉપયોગી પગલાંઓએ સમાજસેવાનું જ્વલંત ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.

આ પ્રસંગે સંબોધન કરતા શિક્ષણપ્રધાને જણાવ્યું કે ગુજરાત સરકાર સ્ટાર્ટ અપ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અનેક પગલાં લઈ રહી છે. સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ સપોર્ટ સિસ્ટમ વિકસાવવાની પહેલ જેમ જીટીયુએ કરી હતી અને પછી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેને રાષ્ટ્રીય સ્તરે લઈ ગયા તેવી જ રીતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલિસી ઘડી કાઢવાની પહેલ ગુજરાત સરકારે કરી. સ્ટાર્ટઅપની સરળ સમજ આપવી હોય તો એમ કહી શકાય કે સમસ્યાનું સમાધાન ચિંધતો વિચાર અને પ્રયોગ એટલે સ્ટાર્ટઅપ, સ્ટાર્ટઅપ અંતર્ગત રાજ્યના યુવાનોએ જે પ્રયોગો કર્યા છે, તે વ્યવહારમાં પણ સફળ રહ્યા છે, તે સ્ટાર્ટઅપની સફળતા છે.

શિક્ષણપ્રધાને જણાવ્યું કે સ્ટાર્ટ-અપ નીતિ જાહેર થયા બાદ રાજ્યના વિદ્યાર્થીઓએ દાખવેલા રસ અને ઇનોવેટિવ આઇડિયા સાથે આગળ આવવાની યુવાનો-વિદ્યાર્થીઓએ દાખવેલી ઉત્સુકતાના કારણે રાજ્ય સરકારને પણ પ્રોત્સાહન મળ્યું છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતે વધુ સક્રિયતા બતાવી છે. ગુજરાતના યુવાનો અને ભવિષ્યમાં દેશમાં અને વિશ્વ કક્ષાએ ઈનોવેશન વડે રાજ્યનું નામ રોશન કરશે એવો મને વિશ્વાસ છે.