જખૌઃ કોસ્ટગાર્ડે કરોડોના ડ્રગ્ઝ સાથે પાકિસ્તાની બોટ ઝડપી લીધી

ક્ચ્છઃ નવી પેઢીને નશીલા પદાર્થોના રવાડે ચડાવી દો તો અડધો જંગ એમ જ જીતાઈ જાય છે તેમ સદીઓ પૂર્વે ગ્રીક સંસ્કૃતિએ અનુભવ્યું હતું. એમ જ ભારતમાં યુવાધન મોટાપ્રમાણમાં નશીલા પદાર્થોને રવાડે ચડી જાય તે માટે દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા દરિયાઈ માર્ગે અવારનવાર જંગી જથ્થામાં નશીલા પદાર્થો ભારતમાં ઘૂસાડાતું રહ્યું છે. ગત દિવસોમાં જ 500 કિલો ડ્રગ્ઝ પકડાયાંની ઘટના હજુ હવામાં છે ત્યાં વધુ એકવાર જંગી જથ્થામાં ભારતમાં ઘૂસાડાઈ રહેલું ડ્રગ્ઝ ઝડપી લેવામાં આવ્યું છે. તેની પ્રાથમિક અંદાજિત કીમત 900થી 1000 કરોડની માનવામાં આવે છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર કચ્છના જખૌ બંદરેથી ભારતીય તટરક્ષક દળે આ કરોડોના મૂલ્યનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. કોસ્ટ ગાર્ડે જપ્ત કરેલું ડ્રગ્સ લગભગ 109 કિલોગ્રામ હોવાનો અંદાજ છે.કુલ 193 પેકેટ્સમાં ડ્રગ ભરેલું હતું. આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી ભારત આવી રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે કાર્યવાહી કરતા ડ્રગ્સ ઉપરાંત બોટ સાથે 13 શખ્સની ધરપકડ કરી છે તેમાં 6 પાકિસ્તાની નાગરિક છે અને 7 ભારતીય નાગરિકની પણ ધરપકડ કરી છે. અરબી સમુદ્રમાં ભારતના કોસ્ટગાર્ડે હાથ ધરેલાં મોટાં ઓપરેશનમાં આ ડ્રગ ઝડપી લેવાયું છે. જે બોટમાંથી ડ્રગ્સ પકડાયું છે તે બોટની નોંધણી પાકિસ્તાનના કરાંચીમાં થયેલી છે. આ બોટનું નામ અલ મદીના છે. ધરપકડ કરવામાં આવેલા લોકોની નાગરિકતા અંગેની હાલ વધુ સઘન તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં તમામ પાકિસ્તાની નાગરિકો હોવાનું સામે આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

આ ડ્રગ્સ  પાકિસ્તાનમાંથી લાવીને ગુજરાતમાં કોને આપવાનું હતું તેની હાલ તપાસ શરુ કરવામાં આવી રહી છે.બોટને મધદરિયેથી ભારતીય જહાજો દ્વારા એસ્કોર્ટ કરીને જખૌબંદરે લાવવામાં આવી છે.