અગરીયાઓના બાળકો માટે ‘સ્કૂલ ઓન વ્હીલ શરુ’, સીએમ રુપાણીએ કરાવ્યો પ્રારંભ

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજ્યના અગરિયા વિસ્તારના શ્રમિકવાલીઓના બાળકોને પ્રારંભિક શિક્ષણ ઘરઆંગણે પૂરૂં પાડવાના પાયલોટ પ્રોજેકટ રૂપે ‘‘સ્કૂલ ઓન વ્હીલ’’ હરતીફરતી શાળાનો પ્રારંભ કરાવ્યો હતો.નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ આ સમયે ઉપસ્થિત હતાં.લગભગ ૧ર૦૦ જેટલાં બાળકોને તબક્કાવાર તેનો લાભ અપાશે. જ્યારે અગરિયા વિસ્તારના બાળકો પોતાની મૂળ શાળામાં જાય ત્યારે આ બસનો ઉપયોગ બીજા સ્થળાંતર કરતાં બાળકો માટે પણ કરી શકાશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે.

અગરિયાઓના બાળકો માટે શરુ કરવામાં આવેલી આ હરતીફરતી શાળા સર્વશિક્ષા અભિયાન થકી રુપિયા ૩.પ૦ લાખના અંદાજિત ખર્ચે એસટી નિગમની બિનવપરાશી બસને મોબાઇલ શિક્ષણ સુવિધાથી સજ્જ કરવામાં આવી છે.આ સ્કૂલ ઓન વ્હીલમાં બારીઓમાં નવી ટેકનોલોજીના લુવર્સ લગાવવામાં આવ્યા છે જેથી રેતી કે પાણી અંદર પ્રવેશી ન શકે ઉપરાંત પીવીસી ફલોરીંગ, ગ્રીન બોર્ડ, ૩.૭ કે.વી.ની અપગ્રેડ સોલાર સિસ્ટમ, ર૯ ઇંચ ટી.વી., સેટઅપ બોકસ (ડી-ટુ-એચ), ૬ પંખા અને ૬ એલ.ઇ.ડી. લાઇટ, ફાયર એસ્ટિંગવિસર તથા પીવાના પાણી માટેની ટેન્ક, એક ખુરશી, ૧૮ રાઇટીંગ ડેસ્કની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે.

આ પ્રયોગ સફળ થશે તો વધુ ૩૦ જેટલી બસોને જી.એસ.આર.ટી.સી.ના સહયોગથી ‘‘સ્કૂલ ઓન વ્હીલ’’ પ્રોજેકટ તરીકે મોડિફાય કરવાનું આયોજન છે.

રાજ્યમાં જુદીજુદી ભૌગોલિકતા, સામાજિક અને વ્યવસાયિક વૈવિધ્યતાને કારણે કે વાલીઓના સ્થળાંતર જેવા કારણોથી ખાસ કરીને અગરિયા વિસ્તારના જિલ્લાઓ કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, ભરૂચ જિલ્લાઓમાં વાલીઓ છ થી આઠ માસના સમયગાળા દરમિયાન અગરિયા વિસ્તારમાં કામગીરી માટે સ્થળાંતર કરે છે.સર્વ શિક્ષા અભિયાન દ્વારા તૈયાર કરવામાં આવેલ ઇ-કન્ટેન્ટના ઉપયોગથી સ્થળાંતરના સમયગાળા દરમિયાન એટલે કે ઓકટોબરથી એપ્રિલ માસ દરમિયાન અગરિયા વિસ્તારમાં બાળકો વાલી સાથે રહી શિક્ષણ પ્રાપ્ત કરશે.