ગુજરાતઃ 15 દિવસ પહેલા ભાજપમાં જોડાનાર નિખિલ સવાણીનું રાજીનામું

અમદાવાદ- ભાજપને વધુ એક ઝાટકો વાગ્યો છે. 15 દિવસ પહેલા જ ભાજપમાં જોડાયેલા અને હાર્દિક પટેલના સાથી નિખિલ સવાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. અને હાર્દિક પટેલ સાથે છું તેમ કહ્યું હતું, અને ભાજપ પર આક્ષેપ કર્યા હતા.સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં નિખિલ સવાણીએ કહ્યું હતું કે હાર્દિક અને મારી વચ્ચે મતભેદ હોઈ શકે, પણ મનભેદ નથી. હું પાટીદાર સમાજના હિતમાં કામ કરું છું. અને પાટીદાર સમાજના હિત માટે હું ભાજપમાં જોડાયો હતો. પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપ પાટીદાર સમાજની સાથે વોટબેંકની રાજનીતિ કરી રહી છે. અને પાટીદારોને ખરીદવાનો પ્રયત્ન કરી રહી છે. ભાજપ આપેલા વચન પાળ્યા નથી. લોલીપોપ આપી રહી છે. આથી હું ભાજપમાંથી રાજીનામું આપી રહ્યો છું.

નરેન્દ્ર પટેલ એક નાના પરિવારમાંથી આવે છે, તેમ છતાં તેણે એક કરોડ રૂપિયા ઠુકરાવી દીધા છે, અને સમાજ માટે કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. તેના માટે તેમને અભિનંદન… હાર્દિક પટેલ જે આંદોલન કરી રહ્યો છે, તે બિલકુલ સાચું છે. ભાજપ પાટીદાર સમાજને બેવફૂફ બનાવી રહી છે. જે પણ પક્ષ પાટીદારને સાથે આપશે, તે પક્ષની સાથે હું જઈશ. હવે હું રાહુલ ગાંધીને પણ મળીશ.

નિખિલ સવાણીએ કહ્યું હતું કે ભાજપમાં જોડાવા માટે મને કોઈ પૈસા મળ્યા નથી. અને જો પૈસા લીધા હોત તો હું તમારી સામે આવી રીતે ન આવત. અને જો પૈસા લેવા હોત તો દોઢ વર્ષ પહેલા જ હું ભાજપમાં સામેલ થઈ ગયો હોત.