ગુજરાત કોંગ્રેસ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર ને જિગ્નેશ મેવાણીને ટિકિટ આપવા તૈયાર

અમદાવાદ– ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગમે તેમ કરીને જીત મેળવવી છે, તેવા સંકલ્પ સાથે ભાજપ સરકાર સામે આંદોલન કરનાર હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીને વિધાનસભાની ટિકિટ આપવાની ઓફર કરી છે, તેઓ કોંગ્રેસમાં જોડાઈ જાય અને તેમના આંદોલનને કોંગ્રેસ વાચા આપશે, તેવું વચન આપ્યું હતું. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની પ્રજાવિરોધી નિતીઓથી હેરાન-પરેશાન નાગરિકોની લાગણીને વાચા આપવા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીને લોક આંદોલનો શરૂ કર્યા હતા. પ્રજાને આ નેતાઓ પાસે પણ અપેક્ષાઓ હોવાથી ભાજપના કુઃશાસનને ગુજરાતમાંથી નાબૂદ કરવા, આ ત્રણે નેતાઓને સાથે રાખીને અને સમાન વિચારધારાવાળી રાજકીય પાર્ટીને પણ ગુજરાતનું નવસર્જન કરવા માટે આગળ વધવાનો નિર્ણય કોંગ્રેસ પક્ષે કર્યો છે. ‘પાસ’ ના કન્વીનરો અને હાર્દિક પટેલની આગેવાની એક આંદોલન ચલાવી રહ્યાં છે. તેઓએ પોતાના સમાજની માંગણી અને લાગણી સાથે કોંગ્રેસ પક્ષને આવેદન પત્ર આપ્યું છે. જેઓની માંગણી-લાગણીને કોંગ્રેસ પક્ષ અનુમોદન આપ્યું છે. સાથો સાથ હાર્દિક પટેલ અને ‘પાસ’ ના કન્વીનરો કોંગ્રેસ પક્ષને સમર્થન આપે, આશીર્વાદ આપે, સહયોગ આપે. તેમજ હાર્દિક પટેલને ચૂંટણી લડવી હોય તો પણ કોંગ્રેસ પક્ષ તરફથી તેમને આમંત્રણ છે.

તેવા જ બીજા યુવા નેતા અલ્પેશ ઠાકોર કે જેઓ બક્ષીપંચ સમાજ સાથે રાખીને ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય, સમાજમાં સમાનતાની વાત કરી રહ્યાં છે. તેઓને પણ કોંગ્રેસ પક્ષની વિજય યાત્રામાં જોડાવા આમંત્રણ આપી છીએ. કોંગ્રેસ પક્ષે નવસર્જન ગુજરાતનું સ્વપ્ન ગુજરાતીની પ્રજા માટે જોયું છે. તેને સાકાર કરવા અલ્પેશભાઈ ઠાકોરને સાથ, સહકાર આપવા આમંત્રણ આપીએ છીએ.

એવા જ ગુજરાતમાં દલિતો પર થતા અન્યાયના મુદ્દે લડત આપનાર દલિત સમાજના યુવા નેતા જિગ્નેશ મેવાણી ને પણ આ કોંગ્રેસ પક્ષની વિજય યાત્રામાં જોડાવા આમંત્રણ આપીએ છીએ. આ ત્રણેય નેતાઓ હકારાત્મક પ્રતિભાવો આપશે એવી કોંગ્રેસ પક્ષને આશા છે.

જેડીયુના પીઢ અને ગરીબ-સામાન્ય નાગરિકને મદદરૂપ થનાર ધારાસભ્ય છોટુભાઈ વસાવા કે જેઓ જવાબદાર નેતા છે. રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષને મદદરૂપ થયા હતા તેમને પણ કોંગ્રેસ પક્ષની વિજયયાત્રામાં જોડાવવા આમંત્રણ પાઠવીએ છીએ.

આમ આદમી પાર્ટીના ઘણાં આગેવાનો-કાર્યકરોની લાગણી કોંગ્રેસ પક્ષને સમર્થન આપી કોંગ્રેસ પક્ષની વિજયયાત્રામાં જોડાશે. તેવા વિશ્વાસ સાથે તેઓને પણ આમંત્રણ પાઠવીએ છીએ.

એન.સી.પી. એ રાજ્ય સભાની ચૂંટણીમાં દ્રોહ કર્યો હતો તેમ છતાં જો એન.સી.પી. ને લાગે કે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર રૂપી ભાજપનું કુઃશાસન ખતમ કરવું છે તો તેઓને પણ કોંગ્રેસ પક્ષની વિજયયાત્રામાં જોડાવા આમંત્રણ પાઠવીએ છે.