ગુજરાતઃધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા ફીમાં વધારો

ગાંધીનગર- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી બોર્ડ પરીક્ષાઓની ફીમાં દસ ટકાનો વધારો કરાયો છે. બોર્ડ દ્વારા જુદીજુદી 18 પરીક્ષાઓ લેવામાં આવે છે. દસ ટકા પરીક્ષા ફી વધારો થતાં બોર્ડને અંદાજે વાર્ષિક 20 કરોડ રુપિયાથી વધુની કમાણી થશે.પરીક્ષા ફીમાં 10 રુપિયાથી લઇ 65 રુપિયા સુધીનો વધારો આ સાથે થઇ ગયો છે. બોર્ડે જણાવ્યું કે દર વર્ષે નિયમ મુજબ કરાતા ફી વધારાની જેમ  જ આ ફી વધારો કરવામાં આવ્યો છે. બોર્ડે ફી વધારાની બચાવ પણ કર્યો કે ગયા વરસે પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો ન હતો.

માર્ચ 2018માં લેવાનારી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન શરુ કરાશે ત્યારે આ પરીક્ષાઓ માટે લેવાનારી ફીમાં વધારો થયાનો પરિપત્ર વોટ્સ અપ દ્વારા આચાર્યોને મોકલી અપાયો છે જેને લઇને બોર્ડ દ્વારા છાનેછપને ફી વધારો કરાયાની ચર્ચા જન્મી છે. ફી વધારા સાથે બારમા ધોરણ સા.પ્ર.ની પરીક્ષા ફી હવે 370ની જગ્યાએ 405 રુપિયા થશે. બોર્ડે જુદા જુદા પરીક્ષા વિષય પ્રમાણેની ફી પણ મોકલાવી છે.

આ વર્ષે એક અંદાજ મુજબ ધોરણ 10માં 11 લાખથી વધુ અને ધોરણ 12માં 5 લાખથી વધુ વિદ્યાથીઓ બોર્ડ પરીક્ષા આપશે.