સલમાન અને અક્ષયને લઈને ‘નયા ભારત’ ફિલ્મ બનાવી શકાયઃ મનોજ કુમાર

મુંબઈ – પીઢ બોલીવૂડ અભિનેતા મનોજ કુમાર એ વાતે બહુ ખુશ છે કે પોતે 45 વર્ષ અગાઉ ફિલ્મના માધ્યમ દ્વારા જનજાગૃતિનું જે કામ શરૂ કર્યું હતું એને આજના બે સુપરસ્ટાર – અક્ષય કુમાર અને સલમાન ખાન આગળ વધારી રહ્યા છે.

81 વર્ષના થયેલા મનોજ કુમાર દેશભક્તિના થીમ પર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. એમણે પોતાની ત્રણ ફિલ્મમાં પોતાના પાત્રનું નામ પણ ‘ભારત’ રાખ્યું હતું.

મનોજ કુમારે ખુલાસો કર્યો છે કે, ‘ભારત’ નામ માટે એમણે કોઈ પેટન્ટ હક લીધા નથી કે એની પર પોતાનો કોઈ અધિકાર નથી. દેશનો દરેક વ્યક્તિ ‘ભારત’ છે. મને એ વાતની ખુશી છે કે સલમાન અને અક્ષય જેવા સુપરસ્ટાર સામાજિક જાગૃતિ લાવે, દેશમાં નવી આશાનો ઉદય કરે, નવા ભારતનું નિર્માણ કરે એવા પાત્રો ફિલ્મોમાં ભજવી રહ્યા છે. જો તમે તમારા કામમાં પ્રામાણિક હશો તો અને જો સમાજમાં પરિવર્તન લાવવાની ઈચ્છામાં તમે પ્રામાણિક હશો તો દર્શકો તમારા પ્રયાસોને ચોક્કસ વધાવશે. મને સલમાન અને અક્ષયના કાર્યમાં પ્રામાણિકતા જોવા મળી છે અને એનું એમને વળતર-ઈનામ મળવું જ જોઈએ.

મનોજ કુમારે 70ના દાયકામાં આવેલી ફિલ્મો ‘ઉપકાર’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને ‘રોટી કપડા ઔર મકાન’માં પોતાના પાત્રનું નામ ભારત રાખ્યું હતું.

70ના દાયકામાં મનોજ કુમારની ઈચ્છા રાજેશ ખન્ના સાથે ‘નયા ભારત’ ટાઈટલવાળી ફિલ્મ બનાવવાની હતી, પરંતુ કોઈક કારણોસર એ યોજના આગળ વધી શકી નહીં. આજે સલમાન અને અક્ષયને સાથે લઈને ‘નયા ભારત’ બનાવી શકાય એમ છે, એવું મનોજ કુમાર માને છે.

પીઢ અભિનેતાએ વધુમાં કહ્યું કે, મારી તો ઈચ્છા એવી છે કે હું ગુજરી જાઉં ત્યારે પણ તંદુરસ્ત જ હોઉં. હું તો વહેલી તકે એક નવી ફિલ્મ બનાવવા પણ ઈચ્છું છું.