પીઢ અભિનેતા દિન્યાર કોન્ટ્રાક્ટરનું અવસાન; એ 79 વર્ષના હતા

મુંબઈ – બોલીવૂડ ફિલ્મો, ટીવી સિરિયલો તથા ગુજરાતી/અંગ્રેજી/હિન્દી રંગભૂમિના જાણીતા અભિનેતા, કોમેડિયન, નિર્માતા-દિગ્દર્શક ‘પદ્મશ્રી’ સમ્માનિત દિન્યાર કોન્ટ્રાક્ટરનું આજે સવારે મુંબઈમાં નિધન થયું છે.

દિન્યાર કોન્ટ્રાક્ટર પારસી હતા, એમના પાર્થિવ શરીરના આજે સાંજે વરલી સ્થિત પારસી સ્મશાનભૂમિમાં અંતિમસંસ્કાર કરવામાં આવશે.

કોન્ટ્રાક્ટરે બાદશાહ અને ખિલાડી જેવી હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

પરિવારની નિકટનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટર ઘડપણને લગતી બીમારીને કારણે અવસાન પામ્યા છે.

દિન્યાર કોન્ટ્રાક્ટર ખાસ કરીને કોમેડી ભૂમિકાઓ કરવા માટે જાણીતા હતા. એમને આ જ વર્ષે ભારત સરકાર ‘પદ્મશ્રી’ ખિતાબથી સમ્માનિત કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કોન્ટ્રાક્ટરના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

મોદીએ એમની ટ્વીટમાં લખ્યું છે કે દિન્યાર કોન્ટ્રાક્ટરે ખુશીનો ખૂબ ફેલાવો કર્યો હતો એટલા માટે જ એ વિશેષ વ્યક્તિ હતા. એમણે એમની અભિનયપ્રતિભા દ્વારા ઘણા લોકોનાં ચહેરા પર હાસ્ય આણ્યું હતું. રંગભૂમિ હોય કે ટેલિવિઝન કે ફિલ્મો હોય, કોન્ટ્રાક્ટર તમામ માધ્યમ પર છવાઈ ગયા હતા.

મોદીએ એમના ટ્વીટમાં કોન્ટ્રાક્ટર સાથે એમની એક તસવીર પણ શેર કરી છે.

httpss://twitter.com/narendramodi/status/1136152370818244608