ફિટનેસ ચેલેન્જ સ્વીકારનાર ઋતિક રોશન પર ટ્વિટર યૂઝર્સ ભડક્યા, એને બેજવાબદાર કહ્યો

0
1079

મુંબઈ – બોલીવૂડ અભિનેતા ઋતિક રોશને કેન્દ્રના સ્પોર્ટ્સ પ્રધાન રાજ્યવર્ધન રાઠોરે આપેલી ફિટનેસ ચેલેન્જને સ્વીકારી એ તો સારું કર્યું, પણ એ માટે એણે પોતાનો સેલ્ફી વિડિયો પોસ્ટ કર્યો એને કારણે ટ્વિટર પર એ ટ્રોલ થયો છે. ટ્વિટર યૂઝરે ‘બેજવાબદાર’ કહીને એની ટીકા કરી છે.

એક ટ્વિટર યૂઝરે તો મુંબઈ પોલીસને ટેગ કરી છે અને પોલીસે એનો રિપ્લાય પણ આપ્યો છે. આમ, લોકોને સલાહ આપીને ઋતિક ફસાયો છે.

બન્યું છે એવું કે, રાજ્યવર્ધન સિંહ રાઠોરે લોકોને ફિટનેસનું મહત્વ સમજાવવા તથા ફિટનેસ જાળવવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક ઝુંબેશ આદરી છે અને ટ્વિટર પર અનેક સેલિબ્રિટી વ્યક્તિઓને એમણે ફિટનેસ ચેલેન્જ આપી છે. એમની આ ઝુંબેશને સરસ પ્રતિસાદ મળ્યો છે. રાઠોરે પોતે વ્યાયામ કરતા હોય એવો વિડિયો ટ્વિટર પર શેર કર્યો છે. એમણે ઋતિક, ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલને ટેગ કરીને ફિટનેસ ઝુંબેશમાં સહભાગી થવાનું આવાહન આપ્યું હતું.

ઋતિક રોશન બોલીવૂડમાં સૌથી ફિટ અભિનેતા ગણાય છે. એણે તરત જ રાઠોરની ચેલેન્જ સ્વીકારી હતી અને પોતાનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. એ વિડિયો સેલ્ફી હતો.

એમાં ઋતિકને મુંબઈના એક રસ્તા પર સાઈકલ ચલાવતો જોઈ શકાય છે. એણે વિડિયો ટ્વીટ કરીને જે કેપ્શન લખી હતી એને કારણે એ ટ્રોલ થયો છે. એણે લખ્યું છે કે હું રોજ આ જ રીતે સાઈકલ ચલાવીને ઓફિસે જાઉં છું. એને કારણે ટ્રાફિકથી છૂટકારો મળે છે.

ઋતિકે આ સાથે જ એના પિતા રાકેશ રોશન, માતા પિંકી રોશન, સહ અભિનેતાઓ ટાઈગર શ્રોફ અને કુણાલ કપૂરને પણ આ ચેલેન્જ માટે નોમિનેટ કર્યા છે.

ઋતિકે આ સેલ્ફી વિડિયો રાહદારીઓ અને વાહનોથી વ્યસ્ત એવા એક રસ્તા પર સાઈકલ ચલાવતી વેળાએ રેકોર્ડ કર્યો છે. પરંતુ ઘણાએ એની ઝાટકણી કાઢી છે. ઘણાએ લખ્યું છે કે હેલ્મેટ પહેર્યા વગર આ રીતે સાઈકલ પર સફર કરવી અને સાઈકલ ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો અસુરક્ષિત છે.

અમુકે મુંબઈ પોલીસને ઋતિકની સાઈકલ સવારી વિશે ફરિયાદ કરી છે. પોલીસે રિપ્લાય કરીને કહ્યું છે કે તમે લોકેશન વિશે જણાવો.

આ છે ઋતિકે શેર કરેલો વિવાદાસ્પદ વિડિયો…