સચિત્ર સમાચારઃ ‘ધડક’નું ટ્રેલર રિલીઝ કરાયું; જાન્વી કપૂર, ઈશાન ખટ્ટરનો નિર્દોષ રોમાન્સ

મુંબઈ – સદ્દગત અભિનેત્રી શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની પુત્રી જાન્વી કપૂર અને ઈશાન ખટ્ટરની કારકિર્દીની પહેલી જ હિન્દી ફિલ્મ ‘ધડક’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

યુવા પ્રેમીઓની આ ફિલ્મના દમદાર ટ્રેલરમાં જાન્વી અને ઈશાનનો નિર્દોષ રોમાન્સ જોઈ શકાય છે.

આ ફિલ્મ સુપરહિટ નિવડેલી મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની સત્તાવાર હિન્દી રીમેક છે.

ફિલ્મ 20 જુલાઈએ રિલીઝ થવાની છે.

ઈશાન ખટ્ટર અભિનેતા શાહીદ કપૂરનો સાવકો નાનો ભાઈ છે. અભિનેતા પંકજ કપૂરને પરણી (1975-1984) છુટા પડ્યાં બાદ અભિનેત્રી નીલિમા અઝીમે 1990માં રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યાં હતાં. 2001માં ખટ્ટર સાથે પણ છૂટાછેડા લીધાં હતાં. 

‘ધડક’ ફિલ્મ રાજસ્થાનની પશ્ચાદભૂમિ પર આધારિત છે, જ્યારે મૂળ ફિલ્મ ‘સૈરાટ’માં મરાઠી સેટિંગ હતું.

‘સૈરાટ’ ફિલ્મમાં જાન્વીવાળો રોલ રિંકુ રાજગુરુ અને ઈશાનવાળો રોલ આકાશ ઠોસરે કર્યો છે.

‘ધડક’નું નિર્માણ કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ કરી રહી છે.

જાન્વી અને ઈશાન ઉપરાંત આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં આશુતોષ રાણા પણ મુખ્ય ભૂમિકામાં છે.

(જુઓ ફિલ્મનું ટ્રેલર)

httpss://youtu.be/TIE92mUvSsw

‘મારી મમ્મીની ઈચ્છા હતી કે હું ‘સૈરાટ’ જેવી ફિલ્મ કરું’: જ્હાન્વી

પોતાની કારકિર્દીની પહેલી જ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયું છે ત્યારે જ્હાન્વી કપૂર લાગણીવશ થઈ ગઈ હતી. અહીં પત્રકાર પરિષદમાં એણે કહ્યું કે, મારી મમ્મીની ઈચ્છા હતી કે હું ‘સૈરાટ’ જેવી ફિલ્મમાં અભિનય કરું.

જ્હાન્વીની ફિલ્મ એની મમ્મી અને મહાન અભિનેત્રી શ્રીદેવીનાં નિધનના અમુક મહિના બાદ આવી રહી છે. શ્રીદેવીનું ગયા ફેબ્રુઆરી મહિનામાં દુબઈની હોટેલમાં આકસ્મિક રીતે નિધન થયું હતું. તેઓ 54 વર્ષનાં હતાં.

જ્હાન્વીએ કહ્યું કે, ‘મેં અને મારી મમ્મીએ ‘સૈરાટ’ ફિલ્મ અમારાં ઘરમાં બેસીને જોઈ હતી. મને યાદ છે કે મેં એમને કહ્યું હતું કે મારી પહેલી ફિલ્મ આના જેવી જ હશે અને હું આ પ્રકારની એક્ટિંગ કરી શકું એમ છું. ત્યારબાદ કરણ જોહર સાથે વાતચીત થઈ અને ફિલ્મ બનાવવાનું નક્કી થયું.’

શું તારી મમ્મીએ તને ફિલ્મમાં અભિનય કરવા વિશે કોઈ ટિપ્સ આપી હતી ખરી? એમ પૂછતાં જ્હાન્વીનાં ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. એણે લાગણીવશ થઈને કહ્યું કે, ‘મને આજે એમની બહુ જ ખોટ સાલે છે… એમની સૌથી મોટી અને સૌથી મદદરૂપ ટિપ છે કે સખત મહેનત કરવી.’

શું તારાં પિતા નિર્માતા બોની કપૂર તરફથી તને કોઈ પ્રકારની સલાહ મળી હતી ખરી? એ સવાલના જવાબમાં 21 વર્ષીય જ્હાન્વીએ કહ્યું કે, ‘એમણે મને કોઈ ટિપ્સ આપી નહોતી, પરંતુ મને ઘણો જ પ્રેમ અને ટેકો આપ્યો છે, જે ઘણો જ મહત્વનો છે.’

ફિલ્મના ટ્રેલરની રિલીઝ પ્રસંગે જ્હાન્વીનો ઉત્સાહ વધારવા માટે એની સાથે એનાં પિતા બોની કપૂર, બહેન ખુશી, બે કાકા – અનિલ કપૂર અને સંજય કપૂર, પિતરાઈ ભાઈઓ હર્ષવર્ધન કપૂર અને મોહિત મારવાહ ઉપસ્થિત રહ્યાં હતાં.

જ્હાન્વીના સાવકા ભાઈ એક્ટર અર્જુન કપૂર ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જ્હાન્વીને પોતાનો સપોર્ટ વ્યક્ત કર્યો છે.

ઈશાનને ટેકો આપવા માટે એના માતા નીલિમા અઝીમ હાજર રહ્યાં હતાં.