માધુરી દીક્ષિત, અનિલ કપૂરે એમની ‘રામ લખન’ ફિલ્મની 30મી વર્ષગાંઠની ઉજવણી કરી

મુંબઈ – માધુરી દીક્ષિત અને અનિલ કપૂર અભિનીત ‘રામ લખન’ ફિલ્મની રિલીઝને આજે 30 વર્ષ પૂરા થયા. બંને કલાકારે 1989ની સાલની એ ફિલ્મની 30મી વર્ષગાંઠને ફિલ્મના અમુક લોકપ્રિય ગીતોની ધૂન અને ડાન્સ મૂવ્સ રીક્રિએટ કરીને ઉજવણી કરી છે.

માધુરીએ અનિલ સાથેનો પોતાનો એક વિડિયો એમનાં ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. બંને કલાકાર ફિલ્મનાં બે ગીત – ‘બડા દુઃખ દીના ઓ રામજી’ અને ‘માય નેમ ઈઝ લખન’ની ધૂન પર એક્ટિંગ કરતા જોઈ શકાય છે.

વિડિયો શેર કરીને માધુરીએ એની કેપ્શનમાં લખ્યું છે, ‘આજે ‘રામ લખન’ને 30 વર્ષ થયા છે અને આ ગીત પર ડાન્સ કરીને ઘણી સુંદર યાદોંને તાજી કરું છું. ‘રામ લખન’ ટીમ સાથે કામ કરવામાં ખૂબ આનંદ આવ્યો હતો.’

ઉલ્લેખનીય છે કે, માધુરી અને અનિલ કપૂર ઘણા વર્ષો બાદ આગામી હિન્દી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ ફિલ્મમાં ફરી સાથે ચમકી રહ્યાં છે. આ ફિલ્મ આવતી 22 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

અનિલ કપૂરે માધુરીનાં વિડિયોને રીટ્વીટ કર્યો છે અને લખ્યું છે, ‘રામ લખન’ની વર્ષગાંઠે આપણે ફરી ભજવણી કરી રહ્યાં છીએ તે આનંદની વાત છે. #30YearsOfRamLakhanની સિદ્ધિની ઉજવણી કરવાનો આનાથી સારો રસ્તો કે સારી વ્યક્તિ બીજી કોઈ નહીં.’

સુભાષ ઘઈ દિગ્દર્શિત ‘રામ લખન’ ફિલ્મમાં જેકી શ્રોફ, ડિમ્પલ કાપડિયા, રાખી ગુલઝાર, અમરીશ પૂરી અને અનુપમ ખેર પણ મહત્ત્વની ભૂમિકાઓમાં હતાં. ફિલ્મમાં પાપ અને પુણ્ય સામેનો જંગ બતાવવામાં આવ્યો હતો. જેકી શ્રોફ અને અનિલ કપૂર બેઉ સગા ભાઈ હોય છે અને બેઉ પોલીસકર્મી છે, પણ એક સારા ઉદ્દેશ્યવાળો હોય છે તો બીજો પૈસાની લાલચ માટે દાણચોરોને મદદરૂપ થવા પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે.

અનિલ કપૂર અને માધુરી દીક્ષિત બોલીવૂડની સદાબહાર જોડીઓમાંની એક તરીકે ગણાય. બંનેએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે, જેમ કે ‘તેજાબ’, ‘જીવન એક સંઘર્ષ’, ‘પરિંદા’, ‘કિશન કન્હૈયા’, ‘જમાઈ રાજા’, ‘પ્રતિકાર’, ‘ખેલ’, ‘જિંદગી એક જુઆ’, ‘રાજકુમાર’, ‘બેટા’.

માધુરી-અનિલે રીક્રિએટ કરેલા ‘રામલખન’નાં ગીતોનાં અમુક ડાન્સ મૂવ્સનો વિડિયો જુઓ…

 

httpss://twitter.com/AnilKapoor/status/1089414220121296902