રાજસ્થાનની સુમન રાવ બની ‘ફેમિના મિસ ઈન્ડિયા 2019’

મુંબઈ – રાજસ્થાનનિવાસી સુમન રાવે ‘ફેમિના મિસ ઈન્ડિયા 2019’નો તાજ જીત્યો છે. શનિવારે સાંજે અહીં વરલી સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 56મી મિસ ઈન્ડિયા સૌંદર્ય સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમમાં સુમન રાવને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

22 વર્ષની સુમનને તાજ પહેરાવ્યો હતો ગયા વર્ષની ‘મિસ ઈન્ડિયા’ અનુકૃતિ વ્યાસે.

જ્યૂરીના એક સવાલના જવાબમાં સુમને કહ્યું, ‘જ્યારે તમે જીવનમાં સ્વયંને કોઈ વિશેષ લક્ષ્ય માટે સમર્પિત કરો છો ત્યારે તમારા શરીરની નસેનસ તમારી જીત માટે એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દે છે.’

કોલેજ વિદ્યાર્થિની સુમન રાવ હવે ‘મિસ વર્લ્ડ-2019’ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધા આ વર્ષની 7 ડિસેંબરે થાઈલેન્ડના પટ્ટાયામાં યોજાવાની છે.

શનિવારના કાર્યક્રમમાં બિહારની શ્રેયા શંકરે ‘મિસ ઈન્ડિયા યુનાઈટેડ કોન્ટિનેન્ટ્સ-2019’ તાજ જીત્યો હતો જ્યારે છત્તીસગઢની શિવાની જાધવે ‘મિસ ગ્રેન્ડ ઈન્ડિયા-2019’નો તાજ જીત્યો હતો.

કાર્યક્રમમાં જ્યૂરી સભ્યો હતાં: બોલીવૂડ કોરિયોગ્રાફર રેમો ડીસોઝા, અભિનેત્રીઓ હુમા કુરૈશી, ચિત્રાંગદા સિંહ, ફેશન ડિઝાઈનર ફાલ્ગુની શેન પીકોક, ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રી.

ફિલ્મી સિતારાઓથી સભર કાર્યક્રમમાં કરણ જોહર, દિયા મિર્ઝા, નેહા ધુપીયા, હુમા કુરૈશી, ચિત્રાંગદા સિંહે હાજરી આપી હતી. કેટરીના કૈફ, વિકી કૌશલ, મૌની રોય અને નોરા ફતેહી જેવા કલાકારોએ સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યો હતો.

કાર્યક્રમનું સંચાલન કરણ જોહર અને મનીષ પૌલે કર્યું હતું.

હુમા કુરેશીચિત્રાંગદા સિંહ