શ્રીદેવીને નિધન બાદ પહેલો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો એ કમનસીબઃ બોની કપૂર

નવી દિલ્હી – સદ્દગત મહાન અભિનેત્રી શ્રીદેવીનાં પતિ અને નિર્માતા બોની કપૂરે આજે જણાવ્યું છે કે શ્રીદેવીએ એની કારકિર્દીની તમામ ફિલ્મોમાં શ્રેષ્ઠતમ અભિનય કર્યો હતો, પરંતુ એને એનો પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ એનાં મૃત્યુ પછી મળ્યો એ કમનસીબ કહેવાય.

આજે અત્રે 65મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ સમારંભમાં સ્વ. શ્રીદેવીને એમની જિંદગીની આખરી ફિલ્મ ‘મોમ’માં કરેલા અભિનય બદલ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મરણોત્તર આપવામાં આવ્યો હતો. એ પ્રસંગે બોની કપૂરની સાથે એમની બંને પુત્રી જ્હાન્વી અને ખુશી પણ ઉપસ્થિત હતી. જ્હાન્વી તો ખાસ એની માતાની સાડી પહેરીને આવી હતી. આ જાણકારી જાણીતા ફેશન ડિઝાઈનર અને કપૂર પરિવારના નિકટના મિત્ર મનીષ મલ્હોત્રાએ આપી હતી.

શ્રીદેવીને મળેલા રાષ્ટ્રીય એવોર્ડ અંગે બે શબ્દો કહેવાનું દૂરદર્શનના એન્કરે જ્યારે બોની કપૂરને જણાવ્યું ત્યારે બોનીએ કહ્યું હતું કે શ્રીદેવી ખરેખર આ એવોર્ડ માટે લાયક હતાં. એ 50 વર્ષથી સિનેમા સાથે સંકળાયેલા હતા અને 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એણે એની તમામ ફિલ્મોમાં એનાથી શક્ય એટલી શ્રેષ્ઠ રીતે અભિનય કર્યો હતો. પણ કમનસીબે એની ચિરવિદાય બાદ એને આ બહુમાન પ્રાપ્ત થયું છે.

શ્રીદેવીને ‘મોમ’ ફિલ્મમાં કરેલા અભિનય બદલ એવોર્ડ મરણોત્તર આપવામાં આવ્યો છે. એ ફિલ્મમાં શ્રીદેવીએ એક સાવકી માતાની હેલ્પલેસનેસને ખૂબ અસરકારક રીતે દેખાડી છે. એ ક્રાઈમ કરવા, બદલો લેવા નીકળી તો છે, પણ કોઈનું ખૂન કરવું એમ કંઈ આસાન છે..? સ્કૂલમાં બાયોલોજી ભણાવતી, સામાજિક કાર્ય કરતી મધ્યવયસ્ક મહિલા કોઈની હત્યા કરવા સુધી જઈ શકે..? આ અવઢવ, આ બેબસી, આ ઘૂટન, આ ડર શ્રીદેવીએ પોતાનાં પાત્રમાં અત્યંત બારીકાઈથી દર્શાવ્યા છે.

તે છતાં બોની કપૂરે ‘મોમ’ માટે શ્રીદેવીને મરણોત્તર એવોર્ડ માટે પસંદ કરવા બદલ ભારત સરકાર, માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા જ્યૂરીનો આભાર માન્યો છે અને કહ્યું કે આ ક્ષણ અમારા પરિવારજનો માટે ગર્વની છે, પરંતુ એ પોતે હયાત નથી એ દુઃખની વાત છે. શ્રીદેવી હંમેશાં પોતાનાં કાર્ય દ્વારા જીવંત રહેશે.

શ્રીદેવીનું ગઈ 24 ફેબ્રુઆરીએ રોજ દુબઈની એક લક્ઝરી હોટેલમાં પોતાનાં રૂમના બાથટબમાં ડૂબી જવાથી આકસ્મિક રીતે મોત થયું હતું.