સોનમ-આનંદના 8 મેએ લગ્ન; બંનેનાં પરિવાર તરફથી સત્તાવાર જાહેરાત

0
1317

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને એના બોયફ્રેન્ડ આનંદ આહુજા આવતી 8 મેએ લગ્નગ્રંથિથી જોડાશે. બંનેનાં પરિવાર તરફથી ઈસ્યૂ કરાયેલા નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી છે. લગ્ન મુંબઈમાં જ યોજાશે. આ સાથે જ સોનમ અને આનંદના લગ્ન વિશે મહિનાઓથી ચાલતી અટકળોનો અંત આવી ગયો છે.

આનંદ દિલ્હીસ્થિત ઉદ્યોગપતિ છે.

કપૂર અને આહુજા પરિવારે સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે, ‘કપૂર અને આહુજા પરિવાર સોનમ અને આનંદના લગ્નની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. લગ્ન મુંબઈમાં 8 મેએ યોજાશે. અમે આપને વિનંતી કરીએ છીએ કે પરિવારની પ્રાઈવસીનો આદર કરજો. આપની શુભકામના અને પ્યાર માટે આભાર.’

કહેવાય છે કે, સોનમ-આનંદના લગ્નનું અગાઉ નક્કી થયું હતું અને સોનમની પિતરાઈ બહેનો જ્હાન્વી તથા ખુશી કપૂર (બોની-શ્રીદેવી કપૂરની પુત્રીઓ) એની તૈયારીમાં વ્યસ્ત પણ થવા માંડી હતી. સોનમનાં લગ્ન રાજસ્થાનના ડ્રીમ ડેસ્ટિનેશન થીમ આધારિત રાજસ્થાનના ઉદયપુરમાં નક્કી કરાયા હતા, પણ શ્રીદેવીનાં અચાનક નિધનને કારણે કપૂર પરિવારે લગ્નનો કાર્યક્રમ બદલી નાખ્યો છે.

અહેવાલો અનુસાર, સોનમ અને આનંદનો લગ્નસમારંભ સોનમનાં માસી કવિતા સિંહના મુંબઈના બાન્દ્રા સ્થિત ‘હેરિટેજ હવેલી’ નિવાસસ્થાને યોજાશે. લગ્ન સમારંભમાં ત્રણ મોટા ફંક્શન યોજાશે – મેહંદી, સંગીત અને લગ્નવિધિ.

સોનમ અને આનંદ પ્રકૃતિનાં પ્રેમીઓ છે અને કાગળનો બચાવ કરવામાં માને છે. તેથી એમનું માનવું છે કે કાગળની આમંત્રણ પત્રિકાઓને બદલે સગાંસંબંધીઓ તથા મિત્રવર્તુળોમાં ઈ-કાર્ડ મોકલવાનું વધારે સારું રહેશે.