માન-મરતબા સાથે શશી કપૂરનાં કરાયા અંતિમ સંસ્કાર

મુંબઈ – 79 વર્ષની વયે ગઈ કાલે નિધન પામેલા બોલીવૂડના પીઢ અભિનેતા અને નિર્માતા શશી કપૂરના આજે અહીં સાંતાક્રૂઝ સ્મશાનભૂમિમાં માન-મરતબા સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એમનાં પાર્થિવ શરીરને રાષ્ટ્રીય ધ્વજમાં વીંટાળવામાં આવ્યો હતો અને મુંબઈ પોલીસના જવાનોએ અંતિમ સંસ્કાર પૂર્વે ત્રણ તોપની સલામી આપી હતી.

પોલીસે શશી કપૂર માટે સેલ્યૂટ સેરેમની યોજી હતી, જેમાં દિવંગત અભિનેતાને ત્રણ તોપની સલામી અપાઈ હતી, બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું અને પોલીસ કમ્પની બેન્ડ દ્વારા શોકગ્રસ્ત ધૂન વગાડવામાં આવી હતી.

શશી કપૂર પ્રતિ આદર વ્યક્ત કરવા પોલીસજવાનો તે સેરેમની વખતે એમના ઘૂંટણભેર બેસી ગયા હતા.

અંતિમ સંસ્કાર વખતે હાજર રહેલી બોલીવૂડ હસ્તીઓમાં અમિતાભ બચ્ચન, સલીમ ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અનિલ કપૂર, રિશી કપૂર, રણધીર કપૂર, સંજય દત્ત, રણબીર કપૂર, નસીરુદ્દીન શાહ, અભિષેક બચ્ચન, નવાઝુદ્દીન સિદ્દીકી, સુપ્રિયા પાઠક, શક્તિ કપૂર, સુરેશ ઓબેરોયનો સમાવેશ થાય છે.

પૃથ્વીરાજ કપૂરના પુત્ર અને રાજ કપૂર તથા શમ્મી કપૂરના નાના ભાઈ શશી કપૂરે 1961માં ધર્મપુત્ર ફિલ્મ બોલીવૂડમાં નાયક તરીકે એન્ટ્રી કરી હતી.

શશી કપૂરને ભારત સરકારે 2011માં પદ્મભૂષણ ખિતાબથી સમ્માનિત કર્યા હતા અને 2015માં એમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.

બ્રિટિશ અભિનેત્રી જેનિફર કેન્ડોલને પરણેલા શશી કપૂર લાંબા સમયથી બીમાર હતા.