વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં શાહરૂખનું સમ્માન કરાશે

મુંબઈ – આ મહિનાના અંતભાગમાં સ્વિટ્ઝરલેન્ડના દાવોસ શહેરમાં નિર્ધારિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમના 48મા વાર્ષિક સંમેલનના ભાગરૂપે યોજાનાર 24મા વાર્ષિક ક્રિસ્ટલ એવોર્ડ્સ સમારોહમાં બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનું સમ્મના કરવામાં આવશે. ભારતમાં બાળકો અને મહિલાઓનાં અધિકારો માટેની લડતમાં આગેવાની લેવા બદલ એનું બહુમાન કરવામાં આવનાર છે.

આ વર્ષના અન્ય એવોર્ડવિજેતાઓ છે – એક્ટર/ડાયરેક્ટર કેટ બ્લાન્ચેટ અને ગાયક એલ્ટન જોન. વર્લ્ડ ઈકોનોમિક ફોરમની સત્તાવાર વેબસાઈટ પર આમ જણાવવામાં આવ્યું છે.

વેબસાઈટ પરના નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે ત્રણેય એવોર્ડવિજેતાઓએ માનવ ગૌરવના રક્ષણ કાજે પગલાં લીધા છે.

શાહરૂખનું સમ્માન તે નોન-પ્રોફિટ સંસ્થા મીર ફાઉન્ડેશનનો સ્થાપક હોવાને નાતે કરવામાં આવશે. તેની આ સંસ્થા એસીડ હુમલાઓનો ભોગ બનેલી સ્ત્રીઓને મદદરૂપ થાય છે. આ સંસ્થા એવી પીડિતોને તબીબી સારવાર પૂરી પાડવા, કાનૂની સહાયતા કરવા, વ્યાવસાયિક તાલીમ આપવા, પુનર્વસન તથા આજિવીકા મેળવી આપવામાં મદદરૂપ થાય છે.

શાહરૂખની સંસ્થા બાળકોની હોસ્પિટલોમાં વિશેષ વોર્ડ તૈયાર કરાવે છે અને કેન્સરની સારવાર લેતા બાળકો માટે મફત આવાસ વ્યવસ્થા પૂરી પાડીને બાળકોની દેખરેખ રાખતા કેન્દ્રોને મદદરૂપ થાય છે.

પોતાનું સમ્માન કરવાની જાહેરાતની જાણ થયા બાદ શાહરૂખે ટ્વીટ કરીને ફોરમનો આભાર વ્યક્ત કર્યો છે.

એવોર્ડ સમારંભ 22 જાન્યુઆરીએ યોજાશે.

આ વર્ષના વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. 1997માં આ સંમેલનમાં હાજરી આપનાર એ ભારતના પહેલા વડાપ્રધાન હશે. મોદી આ પ્રતિષ્ઠિત ગ્લોબલ બિઝનેસ સંમેલનમાં પ્રારંભિક સત્રમાં સંબોધન પણ કરવાના છે.