‘ભારત’માં પ્રિયંકાની જગ્યાએ સલમાનની હિરોઈન બનશે કેટરીના કૈફ

0
1049

મુંબઈ – સલમાન ખાન અભિનીત ‘ભારત’ ફિલ્મ આજકાલ બહુ સમાચારોમાં ચમકે છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થવાની છે, પણ પ્રિયંકા ચોપરા આ ફિલ્મમાંથી હટી જતાં એનાં સ્થાને કોણ? એ સવાલો ક્યારના પૂછાઈ રહ્યા હતા. છેવટે ફિલ્મના દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરે એક નિવેદનમાં જાહેર કરી દીધું છે કે પ્રિયંકાની જગ્યાએ કેટરીના કૈફ મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરશે.

સલમાન અને કેટરીના છેલ્લે અલી અબ્બાસ ઝફરની ‘એક થા ટાઈગર’માં જોવા મળ્યા હતા. એ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ હતી અને સલમાન-કેટરીનાની કેમિસ્ટ્રી દર્શકોને ગમી હતી.

‘ભારત’માંથી પ્રિયંકાની એક્ઝિટના સમાચાર અલીએ જ બહાર પાડ્યા હતા. એમના ટ્વીટને પગલે એવી અફવા ઉડી છે કે પ્રિયંકા એનાં બોયફ્રેન્ડ અને આંતરરાષ્ટ્રીય પોપ ગાયક નીક જોનાસ સાથે લગ્ન કરી રહી હોવાથી એણે ભારત ફિલ્મ પડતી મૂકી દીધી છે.

અલીએ ત્યારે લખ્યું હતું કે, ‘હા એ વાત સાચી છે કે પ્રિયંકા ચોપરા ‘ભારત’ ફિલ્મનો હિસ્સો રહી નથી. ટીમ ભારત પ્રિયંકાને એનાં આનંદભર્યા જીવન માટે શુભેચ્છા વ્યક્ત કરે છે.’

‘ભારત’માં દિશા પટની, તબુ, આસીફ શેખ અને સુનીલ ગ્રોવરની પણ મહત્ત્વની ભૂમિકાઓ હશે.

ફિલ્મ 2019માં ઈદના તહેવારના દિવસે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.