સૈફ અલી ખાન NGO સાથે સંકળાયેલી 10 છોકરીઓને નોકરીએ રાખશે

મુંબઈ – બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાને હાલમાં જ એની પોતાની ફેશન ક્લોધિંગ બ્રાન્ડ શરૂ કરી છે જેનું નામ એણે રાખ્યું છે – હાઉસ ઓફ પટૌડી.

સૈફ અલી ખાને આ ઉપરાંત એક સેવાભાવી સંસ્થા સાથે પણ હાથ મિલાવ્યા છે. આ સંસ્થા પછાત વર્ગનાં પરિવારોની છોકરીઓને શિક્ષણ અને રોજગાર પૂરાં પાડે છે.

સૈફ અલી ખાન આ સંસ્થા સાથે સંકળાયેલી 10 છોકરીઓને પોતાની ક્લોધિંગ બ્રાન્ડ માટે નોકરીએ રાખશે.

સૈફની નિકટના એક સૂત્રનું કહેવું છે કે બિનસરકારી સંસ્થા (NGO) સાથે સહયોગ કરવાનો સૈફનો નિર્ણય સરસ છે. આ સંસ્થા ગરીબ-પછાત વર્ગોનાં પરિવારોની છોકરીઓને શિક્ષણ અને રોજગાર પૂરાં પાડે છે. મહિલાઓ એમનાં જીવનમાં પગભર થાય અને સ્વતંત્ર રીતે જીવન જીવી શકે એ માટે સૈફ હંમેશાં મદદરૂપ થતો રહ્યો છે. એને લાગે છે કે એની ક્લોધિંગ બ્રાન્ડ આવી મદદ માટે આદર્શ છે.

સૈફની ફેશન ક્લોધિંગ બ્રાન્ડ માટે 18-22 વર્ષની વયની 10 છોકરીઓને નોકરીએ રાખવામાં આવશે. તેઓ એમનું કામ શરૂ કરે એ પહેલાં એમને તાલીમ પણ આપવામાં આવશે.

‘હાઉસ ઓફ પટૌડી’ સાથે ફ્લિપકાર્ટની માલિકીની ઓનલાઈન ફેશન રિટેલ કંપની મિન્ત્રાએ સહયોગ કર્યો છે. આ ફેશન બ્રાન્ડ પુરુષો માટે કુર્તા, શેરવાની, જેકેટ્સ વેચે છે તો મહિલાઓ માટે કુર્તા સેટ્સ, લેહંગા અને ડ્રેસીસ વેચે છે. મિન્ત્રા અને જાબોંગની વેબસાઈટ્સ પર હાઉસ ઓફ પટૌડી બ્રાન્ડની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.