ભારતમાં જનજાગૃતિ કાર્યક્રમ માટે પ્રિયંકા ચોપરા બની ફેસબુકની સહયોગી

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ માનસિક આરોગ્ય, સાઈબર બુલિંગ (ઓનલાઈન દાદાગીરી) તથા મહિલાઓમાં ઉદ્યમવૃત્તિ કેળવવા જેવા વિષયો પર ભારતમાં જનજાગૃતિ લાવવા માટેના કાર્યક્રમ ‘સોશિયલ ફોર ગુડ’ માટે ફેસબુક ઈન્ડિયા સાથે સહયોગ કર્યો છે.

#SocialForGood નામનો લાઈવ કાર્યક્રમ ચાર કલાકનો હશે અને તે 27 નવેમ્બરે ફેસબુક પર યોજવામાં આવશે.

પ્રિયંકાએ આ કાર્યક્રમ વિશે તેમજ સામાજિક પ્રશ્નો પર સોશિયલ મિડિયાના પ્રભાવ અંગે કહ્યું છે કે સોશિયલ મિડિયાની તાકાતની કોઈ અવગણના કરી શકે નહીં. આ એક એવું પરિબળ છે જે એક વાર ફેલાઈ જાય તો એને નિયંત્રણમાં રાખવું કે રોકવું મુશ્કેલ બની જાય છે. એનો સારા કાર્યો માટે સરસ રીતે ઉપયોગ કરવો જોઈએ.

પ્રિયંકાએ વધુમાં જણાવ્યું છે કે જનજાગૃતિ લાવવામાં સોશિયલ મિડિયા કેટલી બધી સકારાત્મક અસર લાવે છે એનો મેં અંગત રીતે અનુભવ કર્યો છે. સાચી વિગત કે સામગ્રી ઘણો મોટો ફરક લાવી શકે છે.

સામાજિક જનજાગૃતિ લાવી લોકોને સમાજ માટે કંઈક સારું કામ કરવાની પ્રેરણા આપવા માટેનો ફેસબુકનો આઈડિયા પોતાને ગમ્યો છે એમ પ્રિયંકાએ કહ્યું છે.

‘ફેસબુક સાથે આ ભાગીદારી કરવાનું મને ગમશે. સારાં કામનો પ્રસાર કરવા માટેનું બળ અમને અમારાં #SocialForGood કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાપ્ત થાય એવી આશા રાખું છું,’ એમ પણ પ્રિયંકાએ કહ્યું છે.