‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મને સેન્સર બોર્ડે ‘U’ સર્ટિફિકેટ આપ્યું

મુંબઈ – બોલીવૂડ અભિનેતા વિવેક ઓબેરોયને શિર્ષક ભૂમિકામાં ચમકાવતી આગામી નવી હિન્દી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ની રિલીઝ આડેનો માર્ગ મોકળો થઈ ગયો છે. સેન્સર બોર્ડે આ ફિલ્મને ‘યૂ’ સર્ટિફિકેટ આપી દીધું છે.

આ જાણકારી સૌથી પહેલાં જાણીતા ફિલ્મ સમીક્ષક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એમના ટ્વિટર હેન્ડલ પર આપી હતી.

આ ફિલ્મ 130 મિનિટ અને 53 સેકંડ સમયની છે.

આ ફિલ્મમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફરને દર્શાવવામાં આવી છે.

આ ફિલ્મમાં વિવેક ઓબેરોયના જુદા જુદા 9 લુક જોવા મળશે.

વિવેકે એની કારકિર્દીમાં આ પહેલી જ વાર બાયોપિક ફિલ્મમાં અભિનય કર્યો છે.

ફિલ્મમાં બમન ઈરાની, ઝરીના વહાબ, મનોજ જોશી, પ્રશાંત નારાયણન, બરખા બિશ્ટ, રાજેન્દ્ર ગુપ્તા જેવા અન્ય કલાકારો પણ છે.

સંદીપ સિંહ, આનંદ પંડિત અને સુરેશ ઓબેરોય દ્વારા નિર્મિત આ ફિલ્મ 11 એપ્રિલે દેશભરમાં રિલીઝ કરવામાં આવશે.