સુરતમાં ‘પદ્માવતી’ રંગોળીને ટોળાએ ભૂંસી નાખી; દીપિકા ભડકી ગઈ

સુરત – આગામી હિન્દી ફિલ્મ ‘પદ્માવતી’ની અત્રેના એક મોલમાં બનાવવામાં આવેલી એક રંગોળીને ૧૦૦ જેટલા લોકોના એક ટોળાએ બગાડી નાખ્યાની ઘટના બની છે.

અહેવાલો અનુસાર, આ કૃત્ય જે લોકોના ટોળાએ કર્યું હતું તેઓ ‘જય શ્રી રામ’ નારા લગાવતા હતા.

ઉલ્લેખનીય છે કે, સંજય લીલા ભણસાલી નિર્મિત-દિગ્દર્શિત ફિલ્મ ‘પદ્માવતી’નું રાજસ્થાનમાં શૂટિંગ ચાલુ હતું ત્યારે કરણી સેનાના કાર્યકર્તાઓએ સેટ પર તોડફોડ કરી હતી અને ભણસાલીને ધક્કે ચડાવ્યા હતા. પરિણામે ભણસાલીને શૂટિંગ ત્યાં રદ કરીને મુંબઈ ફરવું પડ્યું હતું.

હવે જ્યારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવાયું છે અને એને ખૂબ વખાણવામાં પણ આવ્યું છે ત્યારે ફિલ્મના વિરોધીઓ ફરી ત્રાટક્યા છે અને આ વખતે તેઓ સુરતમાં રંગોળીનો નાશ કર્યો છે.

આ ઘટનાને પગલે ફિલ્મમાં રાણી પદ્માવતીની શિર્ષક ભૂમિકા કરનાર અભિનેત્રી દીપિકા પદુકોણ રોષે ભરાઈ છે અને એણે કેન્દ્રનાં માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાનીને કહ્યું છે કે તેઓ આ બાબતમાં ધ્યાન આપે. દીપિકાએ અભિવ્યક્તિની આઝાદી વિશે સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે એની ફિલ્મના પોસ્ટર પરથી તૈયાર કરવામાં આવેલી રંગોળી પર હુમલો કરવામાં આવ્યો છે એ જાણીને મને બહુ દુઃખ થયું છે.

એ રંગોળી કરણ નામના ચિત્રકારે ૪૮ કલાકની મહેનત બાદ બનાવી હતી.

કરણે તે ઘટના બાદ પોતાના ટ્વિટર પેજ પર આ જાણકારી આપી હતી.