‘પદ્માવત’ની પરેશાની યથાવત્… પ્રતિબંધ મૂકનાર રાજ્યોમાં હરિયાણા પણ જોડાયું

ચંડીગઢ – સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ ‘પદ્માવત’ પર હરિયાણાની ભારતીય જનતા પાર્ટીએ પ્રતિબંધ મૂકી દીધો છે.

બીજી બાજુ, આ ફિલ્મ પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકાય એ માટે રાજસ્થાનમાં રાજપૂત સમુદાયનાં લોકોનો પ્રચંડ વિરોધ ચાલુ રહ્યો છે.

હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરની આગેવાની હેઠળ આજે મળેલી હરિયાણા પ્રધાનમંડળની બેઠકમાં ‘પદ્માવત’ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

‘પદ્માવત’ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની આ પહેલાં રાજસ્થાન અને ગુજરાત રાજ્યો જાહેરાત કરી ચૂક્યો છે. આ બંને રાજ્યમાં પણ ભાજપનું શાસન છે.

દીપિકા પદુકોણ, રણવીર સિંહ, શાહિદ કપૂર અભિનીત ‘પદ્માવત’ ફિલ્મને 25 જાન્યુઆરીએ વિશ્વભરમાં રિલીઝ કરવાનો નિર્માતાઓએ નિર્ણય લીધો છે.

શ્રી રાજપૂત કરણી સેનાએ આ ફિલ્મ પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. આજે કરણી સેનાના વડા લોકેન્દ્ર સિંહ કલવીએ રાજસ્થાનના ધોલપુરમાં ફિલ્મની વિરુદ્ધમાં વિરાટ રેલી કાઢી હતી.