‘મોમ’ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ નવાઝુદ્દીને શ્રીદેવીને અર્પણ કર્યો

બેંગકોક – અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકીને અહીં આયોજિત ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (આઈફા) સમારંભમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ એમને ‘મોમ’ ફિલ્મમાં કરેલી ભૂમિકા માટે આપવામાં આવ્યો છે. નવાઝુદ્દીને પોતાનો આ એવોર્ડ મોમ ફિલ્મમાં એમના સહ-અભિનેત્રી સ્વ. શ્રીદેવીને અર્પણ કર્યો છે. શ્રીદેવીને આ જ ફિલ્મમાં કરેલી મુખ્ય ભૂમિકા બદલ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મરણોત્તર આપવામાં આવ્યો છે.

નવાઝુદ્દીને કહ્યું છે કે ભારતનાં પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવી સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી જે જીવનમાં માત્ર એક જ વાર મળે.

‘મોમ’ ફિલ્મના દ્રશ્યમાં શ્રીદેવી અને નવાઝુદ્દિન સિદ્દિકી

‘મોમ’ ફિલ્મમાં શ્રીદેવીએ એની સાવકી પુત્રી પર બદલો લેતી માતાનો રોલ કર્યો હતો. દીકરીનો રોલ પાકિસ્તાની અભિનેત્રી સજર અલીએ કર્યો હતો. નવાઝુદ્દીને શ્રીદેવીનાં પાત્રને મદદ કરતા ડીટેક્ટિવનો રોલ કર્યો હતો.

નવાઝુદ્દીને તે એવોર્ડ એવરગ્રીન અભિનેત્રી રેખાનાં હસ્તે પ્રાપ્ત કર્યો હતો. એ વખતે નવાઝુદ્દીને રેખાને ઉદ્દેશીને કહ્યું કે, ‘જીવંત દંતકથાસમા રેખાજીએ નૃત્ય પેશકશ દ્વારા સૌને મુગ્ધ કરી દીધાં હતાં. એમનાં હસ્તે એવોર્ડ મેળવવાને હું મારું અહોભાગ્ય સમજું છું.’

શ્રીદેવીને ‘મોમ’ ફિલ્મ માટે મળેલો એવોર્ડ એમનાં પતિ-નિર્માતા બોની કપૂરે સ્વીકાર્યો હતો. એ ગળગળા થઈ ગયા હતા અને એવોર્ડ મોમની ટીમને અર્પણ કર્યો હતો.

શ્રીદેવું આ વર્ષે અગાઉ દુબઈની હોટેલમાં આકસ્મિક રીતે નિધન થયું હતું.