વડોદરા/મુંબઈ – મુંબઈનાં સંગીતપ્રેમીઓમાં બે નામ બહુ જાણીતા છે – ખુમાર મ્યુઝિક શો અને બિપીન આર. પંડિત.
પોતાની 28 વર્ષની સંગીત કારકિર્દીમાં બાબલા, બીટલ્સ, ગૂંજન, ઝંકાર, સ્ટાર નાઈટ્સ, લવલી સ્ટાર જેવા અનેક મ્યુઝિકલ ગ્રુપ્સ સાથે કામ કરી ચૂકેલા અને સ્ટેજ પરફોર્મ કરી ચૂકેલા બિપીન પંડિત મુંબઈમાં પોતાના ‘ખુમાર મ્યુઝિક શો’ની સ્થાપના કરી છે અને તેઓ મહાનગરમાં મનોરંજક સંગીત કાર્યક્રમો યોજે છે – કોઈ બે-ચાર વર્ષથી નહીં, પણ છેલ્લાં 13 વર્ષથી. ખુમાર એમનો બ્રાન્ડ શો બની ગયો છે. એમના ગ્રુપમાં પ્રતિભાશાળી ગાયકો અને સંગીતકારો છે.
ખુમાર શોમાં હિન્દી ફિલ્મોનાં જૂના સદાબહાર સોલો ગીતો ઉપરાંત ડ્યુએટ ગીતો, ક્લાસિકલ, કવ્વાલી, પ્રાદેશિક ગીતો, ઓછા લોકપ્રિય થયેલા હોય એવા કલાકારોનાં શ્રેષ્ઠ ગીતો તથા નવા ગીતોની રમઝટ જામતી હોય છે.
‘ચિત્રલેખા’ ગ્રુપ સાથે સંકળાયેલા બિપીનભાઈ ‘ધ એડવર્ટાઈઝિંગ ક્લબ’ના COO છે. ભારતની સૌથી મોટી એડવર્ટાઈઝિંગ, માર્કેટિંગ સંસ્થા સાથે બિપીનભાઈ 21 વર્ષથી સંકળાયેલા છે.
બિપીનભાઈ મુંબઈ મહાનગરમાં તો 13 વર્ષથી ખુમાર મ્યુઝિક શો યોજતા આવ્યા છે અને હવે તેઓ મુંબઈની બહાર પહેલી જ વાર, આવતી 28 ડિસેમ્બરે વડોદરામાં ખુમાર મ્યુઝિક શોનું આયોજન કરવાના છે. અકોટાના સર સયાજીરાવ નગરગૃહમાં સાંજે 6.15 વાગ્યાથી આ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. આ નગરગૃહ 1000 દર્શકો માટેની ક્ષમતા ધરાવે છે. ‘ચિત્રલેખા’ આ કાર્યક્રમનું મિડિયા પાર્ટનર છે.
બિપીનભાઈનું ‘ખુમાર’ ગ્રુપ છેલ્લા ચાર વર્ષથી ‘ખુમાર કી ખોજ’ નામનો એક કાર્યક્રમ પણ ચલાવે છે. તે અંતર્ગત યુવાન પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે કલાકારોની ખોજ કરવામાં આવે છે.
વડોદરામાં નિર્ધારિત કાર્યક્રમ અંગે બિપીન પંડિતે પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી.
વડોદરાના શોમાં શું હશે?
ત્રણ કલાકના વડોદરાના શોમાં સદાબહાર સોલો ગીતો ઉપરાંત ડ્યુએટ ગીતો, ક્લાસિકલ, કવ્વાલી તથા નવા ગીતોની મનોરંજક સંગીત મહેફિલ જામશે. આશાસ્પદ ગાયકોને પ્રોત્સાહન આપવાની બિપીનભાઈની પરંપરાને વડોદરાના શોમાં પણ જાળવી રાખવામાં આવશે. આ શોમાં ગુજરાતના બે કલાકારને સામેલ કરવામાં આવ્યા હતા. એક છે, વડોદરાના મહેન્દ્ર સોલંકી અને બીજા છે અમદાવાદના ચિરાગ દેસાઈ.
વડોદરાની પસંદગી શા માટે?
બિપીનભાઈએ મુંબઈમાં ખુમારના 30થી વધારે શો કર્યા છે. વડોદરામાં એ પહેલો જ શો કરશે. આ શહેરની પસંદગી કરવા પાછળનું કારણ આપતાં તેઓ કહે છે કે, વડોદરા ગુજરાતની સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે. વડોદરાનાં નાગરિકો સંગીતપ્રેમીઓ તરીકે પંકાયેલાં છે. જોકે એક મહત્ત્વનું કારણ એ છે કે વડોદરા બિપીનભાઈનું જન્મસ્થળ છે.
આ છે બિપીન પંડિતનું લક્ષ્ય…
બિપીનભાઈ કહે છે, અમારો મ્યુઝિક શો અન્ય મ્યુઝિક શો કરતાં અલગ તરીકે આવે છે. અમારો શો જોઈ-માણીને શ્રોતાઓ હોલની બહાર નીકળે ત્યારે ખુમારના શોમાંથી કંઈક નવી વાત લઈને બહાર આવે એવું અમારું લક્ષ્ય છે.