વિવેક ઓબેરોયની ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મ 24 મેએ રિલીઝ થશે

મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત હિન્દી બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ની રિલીઝ માટે નવી તારીખ આવી છે. આ ફિલ્મ 24 મેએ રિલીઝ થશે. 23 મેએ લોકસભા ચૂંટણીના પરિણામો ઘોષિત થશે અને તેના એક દિવસ બાદ આ ફિલ્મ રિલીઝ થશે.

વિવેક ઓબેરોય દ્વારા ટાઈટલ ભૂમિકા અભિનીત આ ફિલ્મના નિર્માતાઓએ આજે આ જાહેરાત કરી છે.

આ ફિલ્મ અગાઉ 11 એપ્રિલે રિલીઝ કરવાનું નિર્ધારિત કરાયું હતું, પણ ચૂંટણી પંચે એમ કહીને રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો કે લોકસભા ચૂંટણીના કાર્યક્રમના સમયગાળા દરમિયાન આ ફિલ્મ બતાવી શકાશે નહીં.

નિર્માતા સંદીપ સિંહે કહ્યું છે કે આ ફિલ્મ થિયેટરોમાં સરસ ચાલશે એવી અમને આશા છે.

એક નિવેદનમાં સિંહે કહ્યું કે, જવાબદાર નાગરિક તરીકે, અમે દેશના કાયદાનો આદર કરીએ છીએ. ફિલ્મ વિશે ખૂબ ચર્ચા કર્યા બાદ અમે નક્કી કર્યું છે કે લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ તરત જ અમે ફિલ્મને રિલીઝ કરીશું.

અમે હવે ફિલ્મને 24 મે, 2019ના રોજ રિલીઝ કરીશું. અમને આશા છે કે આ ફિલ્મ વિશે કોઈને પણ સમસ્યા નહીં હોય અને ફિલ્મની રિલીઝ હવે સરળતાપૂર્વકની રહેશે એવી આશા રાખીએ છીએ.

ઓમંગ કુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં બમન ઈરાની, મનોજ જોશી, પ્રશાંત નારાયણન, ઝરીના વહાબ, બરખા સેનગુપ્તા, દર્શન કુમાર જેવા અન્ય કલાકારો છે.

સુરેશ ઓબેરોય અને આનંદ પંડિત ફિલ્મના સહ-નિર્માતાઓ છે.