હું વ્યાવસાયિક સતામણીનો શિકાર બની છું: રવીના ટંડન

મુંબઈ – પુરુષો દ્વારા જાતીય સતામણીનો ભોગ બનેલી અનેક સ્ત્રીઓ ‘MeToo’ ઝુંબેશ અંતર્ગત અવાજ ઉઠાવી રહી છે અને એમાં બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડન પણ જોડાઈ છે. જોકે રવીનાએ કોઈનું નામ લીધું નથી, પણ એટલું કહ્યું છે કે પ્રોફેશનલ સતામણીનો ભોગ હું પણ બની ચૂકી છું અને એ પીડા કેવી હોય છે એ હું સમજી શકું છું.

43 વર્ષીય રવીનાએ કહ્યું છે કે પોતે જાતીય સતામણીનો ભોગ બની નથી, પરંતુ હું #MeToo ઝુંબેશને મારો ટેકો આપું છું અને મહિલાઓનાં જાતીય શોષણના જે આરોપો કરવામાં આવ્યા છે અને જે ઘટસ્ફોટ થઈ રહ્યાં છે એનાથી મને ગુસ્સો ચડ્યો છે.

પ્રોફેશનલ સતામણીનો ભોગ તો હું પણ બની ચૂકી છું. એને કારણે મારે બે ફિલ્મ છોડી દેવી પડી હતી. અમુક એવી મહિલા પત્રકારો હતી જે એમનાં મેગેઝિન્સ કે અખબારોમાં અમારી છાપ બગાડતી હતી.

રવીનાએ વધુમાં કહ્યું છે કે મારાં જીવનનો એ અપસેટ કરનારો તબક્કો હતો, કારણ કે એનાથી મારી પ્રતિષ્ઠાને લાંછન લાગ્યું હતું. એ લોકો એક અભિનેત્રીનું જીવન બગાડી નાખવા માટે ટોળકી બનાવીને કામ કરતાં હતાં. અભિનેતાઓની ગર્લફ્રેન્ડ્સ અને પત્નીઓના વિરોધને કારણે મારે ફિલ્મો ગુમાવવી પડી હતી.

રવીનાએ હાલમાં જ એક ટ્વીટમાં લખ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગમાં એવી ઘણી પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ છે જેઓ એમનાં અભિનેતા પતિઓ જ્યારે અભિનેત્રીઓની કારકિર્દીનો નાશ કરી રહ્યાં હોય ત્યારે મૂક પ્રેક્ષક બની જતી હોય છે અથવા ઉશ્કેરણી ફેલાવવાનું કામ કરતી હોય છે. ઘણી વાર મહિલાઓ જ અસુરક્ષિતતા અથવા પ્રોફેશનલ ઈર્ષ્યાને કારણે એમનાં હીરો પતિ કે બોયફ્રેન્ડનો ઉપયોગ કરીને બીજી અભિનેત્રીઓને ફિલ્મમાંથી કઢાવી મૂકતી હોય છે.

રવીનાએ આમ કહેતી વખતે જોકે કોઈનું નામ લીધું નહોતું.

જાતીય સતામણીનો ભોગ બનેલી અને #MeToo ઝુંબેશ હેઠળ અવાજ ઉઠાવતી સ્ત્રીઓને રવીનાએ એવી સલાહ આપી છે કે એમણે ફિલ્મ એસોસિએશનોને ફરિયાદ કરવાને બદલે કાયદેસર પગલું જ ભરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશન (સિન્ટા)એ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે ફિલ્મ ઉદ્યોગમાં જાતીય સતામણીના દૂષણને ડામવા માટે તે એક સલાહકાર સમિતિ બનાવશે. એની સભ્યો તરીકે એણે રવીના ટંડન અને સ્વરા ભાસ્કરને પસંદ કરી છે.