‘મી ટૂ’ અંતર્ગત સતામણીનો આરોપઃ સંગીતકાર અનુ મલિકની ‘ઈન્ડિયન આઈડલ’માંથી છૂટ્ટી કરી દેવાઈ

મુંબઈ – જાતીય સતામણીના આરોપ કરાયા બાદ સંગીતકાર અનુ મલિકને ‘ઈન્ડિયન આઈડલ’ રિયાલિટી ટીવી શોનાં જજ તરીકે પડતા મૂકી દેવામાં આવ્યા છે.

આ શો જેની પરથી પ્રસારિત કરવામાં આવે છે તે સોની ટીવીએ એક નિવેદન મારફત જણાવ્યું છે કે અનુ મલિક હવે ‘ઈન્ડિયન આઈડલ’ની જ્યૂરી પેનલ પર રહ્યા નથી. શો નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલુ રહેશે.

‘ઈન્ડિયન આઈડલ’ની 10મી સીઝનમાં અસાધારણ મ્યુઝિક ટેલેન્ટને જજ કરવામાં વિશાલ અને નેહાને સાથ આપવા માટે મહેમાન તરીકે ભારતીય સંગીત ક્ષેત્રમાંથી કોઈક અન્ય મોટી હસ્તીને અમે આમંત્રિત કરીશું એવું પણ સોની ટીવીએ જણાવ્યું છે.

એક અન્ય અહેવાલ મુજબ, અનુ મલિકે પોતે જ કામચલાઉ રીતે ‘ઈન્ડિયન આઈડલ-10’ શોનું જજ પદ છોડી દીધું છે.

ઉલ્લેખનીય છે કે, જાતીય સતામણી સામે અવાજ ઉઠાવવા માટે બિનસત્તાવાર રીતે શરૂ કરાયેલી ‘MeToo’ ચળવળમાં અનેક મહિલાઓ એમની સાથે ભૂતકાળમાં કરાયેલી સતામણી વિશે અવાજ ઉઠાવી રહી છે. સંગીતકાર અનુ મલિક સામે ગાયિકા શ્વેતા પંડિતે આરોપ મૂક્યો છે.

મલિકે જોકે આરોપને નકારી કાઢ્યો  છે. એમના વકીલે એક નિવેદનમાં કહ્યું છે કે મારા અસીલે એમની સામે કરાયેલા આરોપોને સાવ ખોટા અને પાયાવિહોણા તરીકે નકારી કાઢ્યા છે. મારા ક્લાયન્ટ મી ટૂ આંદોલનનો આદર કરે છે, પણ કોઈનું ચરિત્ર ખંડન કરવા માટે આ આંદોલનનો ઉપયોગ કરવો એ યોગ્ય નથી.

ગઈ 17 ઓક્ટોબરે શ્વેતા પંડિતે 2001માં એની સાથે થયેલા બનાવની વિગત એનાં ટ્વિટર હેન્ડલ પર મૂકી હતી. એણે લખ્યું છે કે, આ મારું મી ટૂ છે અને હું અનુ મલિક વિશે યુવા છોકરીઓને ચેતવી દેવા માગું છું અને મલિકને કહેવાનું કે હવે તમારો સમય પૂરો થયો છે. થેંક્યૂ સોનમ મોહાપાત્ર, મલિક વિરુદ્ધ અવાજ ઉઠાવવા બદલ.

ગાયિકા સોનમ મોહાપાત્રએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર મલિક વિરુદ્ધ આરોપ મૂક્યો છે. સોનમે ગાયક કૈલાશ ખેરની પણ ટીકા કરી છે.