અભિનેત્રી શ્રીદેવીનું અવસાન; દુબઈમાં હૃદય બંધ પડી ગયું, અચાનક અલવિદા

0
2093

મુંબઈ – હિન્દી ફિલ્મોના ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીનું અવસાન થયું છે.

શનિવારે મોડી રાતે દુબઈની એક હોટેલમાં એમનું હૃદય ઓચિંતું બંધ પડી જતાં એમણે અંતિમ શ્વાસ લીધો હતો. એમની વય 54 વર્ષ હતી.

‘પદ્મશ્રી’ સમ્માનિત શ્રીદેવી એમનાં પતિ બોની કપૂરના ભાણેજ અને એક્ટર મોહિત મારવાહનાં લગ્ન પ્રસંગે પરિવારસહ દુબઈ ગયા હતા, ત્યારે હૃદય કામ કરતું અટકી જતાં એમનું નિધન થયું હતું.

શ્રીદેવી અને એમનો પરિવાર દુબઈની જુમૈરાહ એમિરેટ્સ ટાવર હોટેલમાં ઉતર્યો હતો. રાતે લગભગ 11 અને 11.30 વાગ્યાની વચ્ચેના સમયે શ્રીદેવી હોટેલનાં બાથરૂમની અંદર એ બેહોશ થઈ ગયા હતા. એમને તરત જ રાશીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બેહોશ થયા ત્યારે શ્રીદેવી રૂમમાં એકલા જ હતા.

શ્રીદેવીના દેર અને બોલીવૂડ અભિનેતા સંજય કપૂરે ખલીજ ટાઈમ્સને એક મુલાકાતમાં કહ્યું કે શ્રીદેવીને હૃદયની કોઈ બીમારી નહોતી.

સૂત્રોનું કહેવું છે કે શ્રીદેવીનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટથી નહીં, પરંતુ કોઈક અન્ય કારણસર થયું છે.

કહેવાય છે કે શ્રીદેવીએ અનેક કોસ્મેટિક સર્જરી કરાવી હતી. તેઓ એવી 29 સર્જરી કરાવી ચૂક્યા હતા. એમાંની કોઈ એક સર્જરીમાં ગડબડ થઈ ગઈ હતી અને તેઓ ઘણી દવાઓ ખાતા હતા. સાઉથ કેલિફોર્નિયા સ્થિત એમના ડોક્ટરે એમને ઘણી ડાયેટ પિલ્સ લેવાની સલાહ આપી હતી અને શ્રીદેવું એનું સેવન કરતા હતા.

શ્રીદેવીના નિધનના સમાચારથી સમગ્ર બોલીવૂડ શોકાતુર થઈ ગયું છે. પ્રશંસકો સખત આઘાતમાં છે.

દુબઈની હોટેલમાં હૃદય બંધ જવાથી શ્રીદેવીનું નિધન થયું એના લગભગ એક કલાક પહેલાં લગ્નસમારંભમાં એમની હાજરીનો અને એમની જિંદગીનો આખરી વિડિયો…

લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયા બાદ શ્રીદેવીનાં અમુક પરિવારજનો મુંબઈ પાછા ફર્યા હતા, જ્યારે શ્રીદેવી, બોની કપૂર અને એમની નાની દીકરી ખુશી દુબઈમાં જ રહ્યા હતા. મોટી દીકરી જાન્વી એની આગામી અને પ્રથમ બોલીવૂડ ફિલ્મ ‘ધડક’નાં શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે દુબઈ જઈ શકી નહોતી.

1963ની 13 ઓગસ્ટે તામિલ નાડુમાં જન્મેલા શ્રીદેવી ‘સદમા’, ‘ચાંદની’, ‘હિંમતવાલા’, ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘નાગીન’, ‘તોહફા’ જેવી અનેક ફિલ્મોને કારણે લોકપ્રિય થયા હતા. ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’થી બોલીવૂડમાં કમબેક કર્યું હતું. ‘મોમ’ એમની છેલ્લી ફિલ્મ હતી.

શ્રીદેવીએ 1996માં નિર્માતા-દિગ્દર્શક બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. એમને બે પુત્રી છે – જાન્વી અને ખુશી. જાન્વી બોલીવૂડમાં એન્ટ્રી કરવાને આરે છે. એની પહેલી ફિલ્મ ‘ધડક’નું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ આ વર્ષના જુલાઈમાં રિલીઝ થવાની ધારણા છે.

શ્રીદેવીની ફિલ્મી કારકિર્દી ચાર દાયકામાં પથરાયેલી રહી છે.

શ્રીદેવીએ 1978માં ‘સોલવા સાવન’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ પાંચ વર્ષ બાદ જિતેન્દ્ર સાથેની ‘હિંમતવાલા’ ફિલ્મ સાથે એમણે કમર્શિયલ સિનેમામાં સફળતા હાંસલ કરી હતી.

બોલીવૂડમાં આગમન કર્યું એ પહેલાં શ્રીદેવીએ કેટલીક દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું હતું. 1969માં એમણે એક તામિલ ફિલ્મમાં બાળકલાકાર તરીકે કામ કરીને રૂપેરી પડદા પર એન્ટ્રી કરી હતી. એમણે મલયાલમ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

આંખોની શરારતને કારણે જાણીતાં અભિનેત્રી શ્રીદેવીની જાણીતી હિન્દી ફિલ્મો છેઃ મવાલી, સદમા, તોહફા, મિસ્ટર ઈન્ડિયા, ચાલબાઝ, ચાંદની, લમ્હેં, ગુમરાહ. સહ-કલાકાર અને દેર અનિલ કપૂર અને ઉર્મિલા માતોંડકર અભિનીત ‘જુદાઈ’ ફિલ્મમાં કામ કર્યાં બાદ શ્રીદેવીએ 15 વર્ષ સુધી બોલીવૂડમાંથી બ્રેક લીધો હતો. ત્યારબાદ 2012માં ‘ઈંગ્લિશ વિંગ્લિશ’ સાથે એમણે રૂપેરી પડદા પર પુનરાગમન કર્યું હતું.

ગયા જ વર્ષે એમની વેરના વિષયવાળી ‘મોમ’ ફિલ્મ રિલીઝ થઈ હતી, જેમાં એમણે નવાઝુદ્દિન સિદ્દિકી અને અક્ષય ખન્ના સાથે કામ કર્યું હતું. એમણે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘ઝીરો’માં ખાસ ભૂમિકા કરી છે, આ ફિલ્મ આ વર્ષના ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે.

2013માં શ્રીદેવીને ‘પદ્મશ્રી’ ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.

શ્રીદેવીને ‘ચાલબાઝ’ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો જે એમની કારકિર્દીનો એવો પહેલો એવોર્ડ હતો. ત્યારબાદ 1991માં ‘લમ્હે’ ફિલ્મ માટે પણ એમને બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

શ્રીદેવીની કારકિર્દી ટોચ પર હતી ત્યારે સહ-કલાકાર મિથુન ચક્રવર્તિ સાથે એમના અફેરની વાતો ચગી હતી. બંનેએ લગ્ન પણ કરી લીધા હોવાની ચર્ચા ચાલી હતી. એને કારણે મિથુન ચક્રવર્તિના ગૃહસ્થ જીવનમાં ખળભળાટ મચી ગયો હતો. એને પગલે મિથુને એક પત્રકાર પરિષદ દ્વારા જાહેરાત કરી હતી કે શ્રીદેવી સાથે એને કોઈ પ્રકારની અફેર નથી.

1996માં શ્રીદેવીએ નિર્માતા-દિગ્દર્શક બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. બોની કપૂરના એ બીજા લગ્ન હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા રીશી કપૂર, પ્રિયંકા ચોપરા, સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત અનેક બોલીવૂડ કલાકારોએ શ્રીદેવીના નિધન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.