મહારાષ્ટ્રના વાઈ નગરમાં અક્ષય કુમાર અભિનીત ‘કેસરી’નો સેટ આગમાં ભસ્મીભૂત

મુંબઈ – મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના વાઈ નગરમાં અક્ષય કુમાર અભિનીત આગામી નવી હિન્દી ફિલ્મ ‘કેસરી’નો સેટ આજે લાગેલી ભયાનક આગમાં નાશ પામ્યો છે. ફિલ્મના ક્લાઈમેક્સ દ્રશ્યના શૂટિંગ વખતે સેટ પર આગ લાગી હતી. સમગ્ર શૂટિંગ પૂરું થવાને 10 દિવસ જ બાકી હતા ત્યાં આગે સંપૂર્ણ સેટ અને કેમેરાનો નાશ કરી નાખ્યો છે.

સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નથી નથી.

અક્ષય કુમાર પોતાના ભાગનું શૂટિંગ પતાવીને મુંબઈ માટે રવાના થઈ ગયો હતો જ્યારે અભિનેત્રી પરિણીતી ચોપરા હાલ ઓસ્ટ્રેલિયામાં છે. અન્ય કલાકારો અને યુનિટના સભ્યો આગ લાગી ત્યારે સેટ પર હાજર હતા.

માહિતગાર સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ, ક્લાઈમેક્સ દ્રશ્ય વખતે લડાઈનું દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું જેમાં બોમ્બ ધડાકા કરવાના હતા. દેખીતી રીતે, એવો એક ધડાકો ખોટા સમયે થયો હતો જેને લીધે સેટ પર આગ ફાટી નીકળી હતી.

આ ફિલ્મના નિર્માતાઓ કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ, કેપ ઓફ ગુડ ફિલ્મ્સ અને એઝૂર એન્ટરટેઈનમેન્ટ છે.

‘કેસરી’ ઐતિહાસિક કથા પર આધારિત ફિલ્મ છે. તે એક વોર ડ્રામા છે, જે સારાગઢીના યુદ્ધને લગતો છે. એ યુદ્ધ 1897માં થયું હતું જેમાં 21 શીખ યોદ્ધાઓના લશ્કરે 10 હજાર અફઘાન લોકો સામે જંગ ખેલ્યો હતો. ફિલ્મના દિગ્દર્શક છે અનુરાગ સિંહ.

આવતા વર્ષે હોળીના તહેવાર વખતે ‘કેસરી’ રિલીઝ કરવાનું નિર્ધારિત છે.