‘લવરાત્રિ’ ફિલ્મ કોઈ સંસ્કૃતિનું અપમાન કરતી નથી: સલમાન ખાન

મુંબઈ – સુપરસ્ટાર સલમાન ખાને કહ્યું છે કે એની આગામી હોમ પ્રોડક્શન ફિલ્મ ‘લવરાત્રિ’ કોઈ પણ સંસ્કૃતિનું અપમાન કરતી નથી કે કોઈને ઉતારી પાડતી નથી.

ઉલ્લેખનીય છે કે, કેટલાક હિન્દુત્ત્વવાદી સંગઠનોએ આ ફિલ્મના શિર્ષક સામે વાંધો ઉઠાવ્યો છે અને એવો આક્ષેપ કર્યો છે કે શિર્ષક હિન્દુ તહેવાર નવરાત્રિનું નામ બદનામ કરે છે.

આ ફિલ્મ સાથે સલમાન ખાનના બનેવી આયુષ શર્મા અને વારિના હુસૈન બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યાં છે. આ ફિલ્મ વડોદરા શહેરની નવરાત્રિ ઉજવણી પર આધારિત છે.

સલમાન ખાને અહીં ‘બિગ બોસ’ શોનાં લોન્ચ પ્રસંગ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘મને ખબર નથી, પણ અમુક લોકોને ફિલ્મના ટાઈટલ સામે વાંધો છે. વાસ્તવમાં આ તો સુંદર ટાઈટલ છે. પ્રેમ કરતાં વધારે સુંદર બીજું કંઈ નથી હોતું એટલે જ એને ‘લવરાત્રિ’ કહેવાયું છે. આમાં કોઈ સંસ્કૃતિના અપમાનની વાત જ નથી. આપણા વડા પ્રધાન પણ આ જ સંસ્કૃતિમાંથી આવે છે. જ્યારે અમે પડદા પર કોઈ પાત્ર ભજવીએ ત્યારે, જેમ કે હું એક ફિલ્મમાં સરદાર બન્યો હતો અને કે ‘સુલતાન’માં હરિયાણવીનો રોલ કર્યો હતો, ત્યારે અમે એ પાત્રનો ખૂબ જ આદર કરીએ છીએ.’

‘અમે આ ફિલ્મ નવરાત્રિ તહેવારને અનુલક્ષીને બનાવી રહ્યાં છીએ. અમે સંગીત, પ્રેમ તથા તહેવારની મોસમના આનંદની ઉજવણી કરતી આ સુંદર ફિલ્મ બનાવી છે. એક વાર આ ફિલ્મ રિલીઝ થઈ જશે પછી એ લોકોને પણ લાગશે કે આમાં કંઈ વાંધાજનક નથી,’ એમ સલમાને વધુમાં કહ્યું.

સલમાનને ખાતરી છે કે સેન્સર બોર્ડ આ ફિલ્મને ‘યુ’ સર્ટિફિકેટ આપશે. ‘અને જો સેન્સર બોર્ડ આ ફિલ્મને સર્ટિફિકેટ આપી દે તો પછી કોઈને કંઈ બોલવાનો અધિકાર રહેશે નહીં એવું મારું માનવું છે,’ એવું સલમાને કહ્યું.

દિગ્દર્શક તરીકે અભિરાજ મીનાવાલાની આ પહેલી જ ફિલ્મ છે. આ પહેલાં એમણે ‘સુલતાન’ અને ‘ફેન’ ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

‘લવરાત્રિ’ ફિલ્મ પાંચ ઓક્ટોબરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.