‘લવની ભવાઈ’એ ઊજવ્યું રજત જયંતી સપ્તાહ

0
2444

અમદાવાદ – સિનેમાપ્રેમી ગુજરાતી પ્રજા માટે હરખાવા જેવી વાત છે કે એક લાંબા અરસા બાદ માતૃભાષામાં બનેલી ફિલ્મ રજૂઆતનાં પચીસ અઠવાડિયાં પૂર્ણ કરી રહી છે.

ગયા વર્ષે નવેમ્બરમાં રિલીઝ થયેલી આરતી પટેલ નિર્મિત-અભિનિત, સંદીપ પટેલ દિગ્દર્શિત ફિલ્મ ‘લવની ભવાઈ’એ ગઈ કાલે (4 મેએ) સિલ્વર જ્યુબિલી ઊજવી. આ અવસરે આજે એટલે કે (પાંચ મે) ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર-કસબીએ અમદાવાદમાં એની ઉજવણી કરી.

ગુજરાતી ચિત્રપટ સૃષ્ટિ આળસ મરડીને ફરી બેઠી થઈ ત્યારથી આજ સુધી પચીસ અઠવાડિયાં ચાલનારી આ બીજી ફિલ્મ છે. 2012માં અભિષેક જૈનની ‘કેવી રીતે જઈશ’થી આ નવો દૌર શરૂ થયો. એનાં બે વર્ષ બાદ એટલે કે 2014માં રિલીઝ થયેલી આ જ સર્જકની ‘બેયાર’એ સિલ્વર જ્યુબિલી સેલિબ્રેટ કરી હતી. ત્યાર પછી છેક આજે ‘લવની ભવાઈ’ રજતજયંતી સપ્તાહનો જશન મનાવી રહી છે.

યુવા લેખકજોડી નેહલ બક્ષી-મિતાઈ શુક્લા લિખિત ‘લવની ભવાઈ’ પ્રેક્ષક માટે એક સંપૂર્ણ સ્વાદિષ્ટ થાળ બનીને આવી. પછી એ જુવાન હૈયાંને સ્પર્શી ગયેલાં અંતરા-સાગર-આદિત્ય (અનુક્રમે આરોહી પટેલ-મલ્હાર ઠાકર-પ્રતીક ગાંધી) હોય કે નીરેન ભટ્ટનાં ગીત, સચીન-જિગરનું દિલડોલ સંગીત હોય, સંદીપ પટેલનું તાજગીભર્યું દિગ્દર્શન હોય કે પછી તપન વ્યાસની નયનરમ્ય છબિકલા.

ઉલ્લેખનીય છે કે ગયા ગુરુવારે મનીષ સૈનીની ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને શ્રેષ્ઠ ગુજરાતી ચિત્રપટથી સમ્માનિત કરવામાં આવી, એ પહેલાં ‘રૉંગસાઈડ રાજુ’ને આ જ શ્રેણીમાં નેશનલ એવૉર્ડ મળેલો. હવે ‘લવની ભવાઈ’ની સિલ્વર જ્યુબિલી. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો કદાચ આ શ્રેષ્ઠ સમય છે એમ કહી શકાય?