બોલીવૂડ પાર્શ્વગાયક મોહમ્મદ અઝીઝ (64)નું મુંબઈમાં હાર્ટ એટેકથી નિધન

0
1514

મુંબઈ – જેમનું ગીત ‘માય નેમ ઈઝ લખન’ આજે પણ લોકજીભે છે તે હિન્દી ફિલ્મોના જાણીતા પાર્શ્વગાયક મોહમ્મદ અઝીઝનું આજે અહીં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે.

અઝીઝ 64 વર્ષના હતા. અહીંના વિલે પારલેની નાણાવટી હોસ્પિટલમાં એમનું અવસાન થયું હતું.

અહેવાલો અનુસાર, અઝીઝ કોલકાતાથી મુંબઈ આવી રહ્યા હતા ત્યારે એમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. એમને તરત જ નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ એમને મૃત જાહેર કર્યા હતા.

કોમેડિયન જોની લીવરના ભાઈ જિમી મોઝીસે અઝીઝના નિધનના સમાચાર પોતાના ફેસબુક હેન્ડલ પર મૂક્યા હતા.

મોઝીસે કહ્યું કે મોહમ્મદ અઝીઝ હજી ગઈ કાલે રાતે જ કોલકાતામાં એક શોમાં હાજરી આપવા ગયા હતા. એમણે આજે બપોરે કોલકાતાથી ફ્લાઈટ પકડી હતી અને આજે સાંજે 4.30 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા હતા. મુંબઈ એરપોર્ટ પરથી એમણે ટેક્સી પકડી હતી, પણ તરત જ એમને બેચેની લાગવા માંડી હતી. ટેક્સી ડ્રાઈવર એમને નાણાવટી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરોએ એમને તપાસીને કહ્યું કે એમનું પ્રાણપંખેરું ઉડી ગયું છે. ડ્રાઈવરે તરત જ અઝીઝના દીકરીને ફોન કર્યો હતો.

મોહમ્મદ અઝીઝે હિન્દી ફિલ્મોમાં અનેક ગીતો ગાયા છે અને ઘણા ગીતો સુપરહિટ થયા છે. જેમ કે, ‘માય નેમ ઈઝ લખન’, ‘દુનિયા મેં કિતના ગમ હૈ’, ‘પ્યાર હમારા અમર રહેગા,’ ‘ખુદાગવાહ’, ‘તૂ કલ ચલા જાયેગા તો’, ‘ગોરી કા સાજન સાજન કી ગોરી’, ‘આપકે આ જાને સે’ વગેરે.

અઝીઝે રિશી કપૂર, અમિતાભ બચ્ચન, મિથુન ચક્રવર્તિ, અનિલ કપૂર, ગોવિંદા જેવા અનેક અભિનેતાઓ માટે ફિલ્મોના ગીતોમાં સ્વર આપ્યો હતો.

80ના દાયકામાં અઝીઝ બોલીવૂડના મશહૂર ગાયક હતા. એમનો સ્વર દંતકથા સમાન ગાયક મોહમ્મદ રફીને મળતો આવતો હતો એટલે એ ડીમાન્ડમાં રહ્યા હતા.

અઝીઝનો જન્મ કોલકાતાના અશોકનગરમાં થયો હતો. એ મોહમ્મદ રફીને પોતાના ગુરુ માનતા હતા.

બોલીવૂડમાં અઝીઝને મોટો બ્રેક આપ્યો હતો સંગીતકાર અનુ મલિકે. ‘મર્દ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન માટે અઝીઝે ‘મર્દ તાંગેવાલા’ ગીત ગાયું હતું.

અઝીઝે કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, આર.ડી. બર્મન, નૌશાદ, ઓ.પી. નૈયર, બપ્પી લાહિરી, રવિન્દ્ર જૈન, ઉષા ખન્ના, રાજેશ રોશન, રામ-લક્ષ્મણ, આદેશ શ્રીવાસ્તવ જેવા સંગીતકારો સાથે કામ કર્યું હતું.