ગોવિંદા બનશે રૂપેરી પડદા પર વિજય માલ્યા – ‘રંગીલા રાજા’

0
1331

મુંબઈ – દિગ્દર્શક પહલાજ નિહલાની તેમજ એક્ટર ગોવિંદાની હિટ જોડી ફરી એકવાર એક નવી ફિલ્મ લઈને કમાલ કરવા આવી રહી છે.

પહલાજ નિહલાની તેમજ ગોવિંદાની જોડીએ અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. ફિલ્મ સેન્સર બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ નિહલાની ફરીથી એમના ફેવરિટ હીરો ગોવિંદાને લઈને ફિલ્મ નિર્માણના મેદાનમાં આવ્યા છે. તેમણે દેશના સૌથી મોટા કૌભાંડકાર વિજય માલ્યા પર ફિલ્મ બનાવવાનું શરૂ કરી દીધું છે.

આ ફિલ્મમાં ગોવિંદા લિકર ઉદ્યોગના મહારથી અને ભારત સરકારે ભાગેડૂ જાહેર કરેલા વિજય માલ્યાનું પાત્ર ભજવશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે તેમજ એક ગીત પણ શૂટ થઈ ગયું છે. પણ વધુ જાણકારી આપવાની પહલાજ નિહલાનીએ ના પાડી છે. તેઓ તથા ગોવિંદા આ ફિલ્મ વિશે થોડું સસ્પેન્સ રાખવા માંગે છે.

પહલાજ નિહલાનીએ એએનઆઈને જણાવ્યું કે, ‘તેઓ વિજય માલ્યાથી પ્રેરિત થઈને મુવી બનાવી રહ્યાં છે. જેમાં ગોવિંદા લીડ રોલમાં છે. લોકો ગોવિંદાને નવા અવતારમાં જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. આ ફિલ્મ સંપૂર્ણપણે મનોરંજક ફિલ્મ હશે.’

વધુમાં આઈએએનએસને તેમણે જણાવ્યું કે, ‘ગોવિંદાની ડેબ્યૂ ફિલ્મ ‘ઈલ્ઝામ’ અમે સાથે કરી હતી. તે દિવસો કરતાં પણ ગોવિંદા અત્યારે વધુ ફિટ દેખાય છે. અને હમણાં એણે અઘરા ડાન્સના સ્ટેપ્સ પણ વધુ ઉત્સ્ફુર્તતાથી કર્યાં છે. ગોવિંદા સાથે કામ કરવું એ પહેલાંના દિવસોની ફરીથી યાદ અપાવે છે.’

પહલાજ નિહલાની નિર્મિત અને નિર્દેશિત આ ફિલ્મ આ વર્ષના ઓગસ્ટ સુધીમાં રિલીઝ થવાની ધારણા છે.