મધુબાલાની જન્મતિથિને ગૂગલે સ્પેશિયલ ડૂડલ બનાવીને સેલિબ્રેટ કરી

મુંબઈ – હિન્દી ફિલ્મોનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી મધુબાલાની આજે 86મી જન્મતિથિ છે અને ‘ગૂગલ’ સર્ચએન્જિને આ રીતે વિશેષ ‘ડૂડલ’ બનાવીને તિથિને સેલિબ્રેટ કરી છે.

મધુબાલાને બોલીવૂડનાં ‘મેરીલીન મુનરો’ તરીકે ઓળખવામાં આવતાં હતાં. મધુબાલા ખાસ કરીને ‘મુગલ-એ-આઝમ’ ફિલ્મમાં કરેલાં અભિનય માટે યાદ રહી ગયાં છે.

મધુબાલા એમની સુંદરતા, વ્યક્તિત્વ તથા ફિલ્મોમાં મહિલાઓનાં સંવેદનશીલ પાત્રો ભજવવા માટે પ્રસિદ્ધ થયાં છે.

મધુબાલાનો જન્મ 1933ની 14 ફેબ્રુઆરીએ દિલ્હીમાં થયો હતો. એમનું મૂળ નામ હતું મુમતાઝ જહાં બેગમ દેહલવી. એમનો જન્મ ખૂબ ગરીબ અવસ્થામાં થયો હતો. એમનો ઉછેર મુંબઈના મલાડ ઉપનગરમાં બોમ્બે ટોકિઝ ફિલ્મ સ્ટુડિયો નજીકની એક ઝૂંપડપટ્ટીમાં થયો હતો. મધુબાલા બાળ કલાકાર તરીકે જ એમનાં પરિવારને આર્થિક રીતે મદદરૂપ થયા હતાં. કિશોરાવસ્થામાં તો એ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતાં થયાં હતાં. સ્ક્રીન પર આવતાવેંત એ તેમની સુંદરતા અને અભિનયક્ષમતાથી પ્રશંસા પામ્યાં હતાં.

બેબી મુમતાઝ નામે બાળ કલાકાર તરીકે 9 વર્ષની વયે મધુબાલાએ ફિલ્મમાં કામ કર્યું હતું. 1947માં 14 વર્ષની જ વયે એમને ‘નીલ કમલ’ ફિલ્મમાં હિરોઈનની ભૂમિકા મળી હતી અને ત્યારથી એમણે મધુબાલા નામ ધારણ કર્યું હતું. સમગ્ર પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી એમને માથે હતી. માતા-પિતા અને ચાર બહેનોને સંભાળવા માટે તેઓ અથાગ પરિશ્રમ કરતાં હતાં.

1949 દરમિયાન મધુબાલાએ 9 ફિલ્મમાં કામ કર્યું હતું. ‘મહલ’ ફિલ્મમાં કરેલાં અદ્દભુત અભિનયથી તેઓ હિન્દી ફિલ્મ જગતમાં છવાઈ ગયાં હતાં.

મધુબાલા કોમેડી, ડ્રામા, રોમેન્ટિક, સંવેદનશીલ એવા કોઈ પણ પાત્ર ભજવવામાં પારંગત હતાં.

1951માં, ‘તરાના’ ફિલ્મમાં પોતાનાં સહ-કલાકાર દિલીપ કુમારનાં તેઓ પ્રેમમાં પડ્યાં હતાં, પરંતુ એમનાં પિતાએ એની સામે વાંધો ઉઠાવ્યો હતો. એ વખતે પિતા મધુબાલાની કારકિર્દી સંભાળતા હતા.

‘મુગલ-એ-આઝમ’ ફિલ્મમાં દિલીપ કુમાર અને મધુબાલાની જોડીને દર્શકોએ ખૂબ વખાણી હતી.

દુખદ રીતે ટૂંકી જિંદગી અને કારકિર્દીમાં મધુબાલાએ 70થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘થિયેટર આર્ટ્સ’ મેગેઝિને 1952ની સાલમાં મધુબાલાને ધ બિગેસ્ટ સ્ટાર ઈન ધ વર્લ્ડ તરીકે ઓળખાવ્યાં હતાં.

મધુબાલાનો જીવન અંત લાંબી બીમારીને કારણે 1969ની 23 ફેબ્રુઆરીએ આવ્યો હતો. એ વખતે એમની ઉંમર માત્ર 36 વર્ષ હતી.

2008ની સાલમાં, ભારત સરકારે મધુબાલાની યાદમાં એક વિશેષ ટપાલટિકિટ બહાર પાડી હતી.

httpss://youtu.be/ZXGa6f3i47s