બેડરૂમના સીનના શૂટિંગ વખતે કિમી કાટકર બોલી, ‘તમે તો સાપની દુકાન ખોલી છે, ડાયરેક્ટર સાબ!’

૧૯૮૯માં ‘લહૂલુહાન’ ફિલ્મના સેટ પર અભિનેત્રી કિમી કાટકરઃ ‘જો મને ખબર હોત કે મારે આ ફિલ્મમાં સાપ સાથે કામ કરવું પડશે તો હું ફિલ્મ જ છોડી દે’

એક નાનકડો બેડરૂમ હતો. ફિલ્મીસ્તાન સ્ટુડિયો (ગોરેગામ-વેસ્ટ, મુંબઈ)ના પહેલા માળે આવેલા બેડરૂમના એક ડબલ બેડ પર તે વખતે એક સાપ આરામ ફરમાવતો હતો. પલંગ પાસે જ રાખેલો કેમેરા શોટ ઝડપવા તૈયાર હતો. ચારે તરફ ગોઠવેલી લાઈટો સાપ ઉપર જ રોશની ફેંકતી હતી. એક ખૂણે બે મદારી પોતાના ચાર કરંડિયા રાખીને બેઠા હતા. એ બધા કરંડિયામાં સાપ પુરાયા હતા.

આ જ સમય સાથે કિમી કાટકરને નિર્માતા-નિર્દેશક સુખવંત ઢઢ્ઢાની ફિલ્મ ‘લહૂલુહાન’નું શૂટિંગ કરવાનું હતું. સુપર સ્ટાર સાપ સિવાય બધું જ વ્યવસ્થિત હતું. માત્ર સાપ મૂડમાં નહોતો. નિર્દેશક અંગ્રેજીમાં ‘એસ’ આકારમાં સાપનો શોટ લેવા માગતા હતા. પરંતુ સાપ મહારાજ તો વારંવાર લાંબા થઈને અંગ્રેજી ‘આઈ’નો ઘાટ ઉપસાવતા હતા. હીરોઈન કિમી તો ડરની મારી મેકઅપ રૂમમાં જ ભરાઈ બેઠી હતી.

‘મને સૌથી વધુ સાપનો લાગે છે. સાપ સાથે હું હરગિઝ કામ નહીં કરી શકું.’ કિમીએ કહ્યું, ‘જો મને ખબર હોત કે મારે આ ફિલ્મમાં સાપ સાથે કામ કરવું પડશે તો હું ફિલ્મ જ છોડી દેત.’

આસિસ્ટન્ટ ડાયરેક્ટર કિમીને સેટ પર બોલાવવા માટે આવ્યો ત્યારે ઘૂરકીને કિમીએ કહ્યું, ‘તારા ડાયરેક્ટરને કહી દે કે હું સાપ સાથે શોટ નહીં આપું. કરડશે તો…’

આસિસ્ટન્ટ જતો રહ્યો.

સેટ પર નિર્દેશક સુખવંતે મદારીના સહયોગથી સાપનો એક શોટ ફિલ્માવી લીધો. બીજો શોટ લેવા જતા સાપે પથારીની ચાદર ભીંજવી નાખી.

‘આને ખસેડીને બીજો સાપ કાઢો. આ સાપ તો ભારે બદમાશ છે,’ નિર્દેશકે મદારીને કહ્યું.

ડાયરેક્ટરની સૂચના અનુસાર સાપને અંગ્રેજી ‘એસ’ આકારમાં બેસાડવા મથી રહેલા મદારી અને સાથી અંતે સફળ થયા.

‘નહીં સા’બ આ તો અમારો સૌથી સારો એક્ટર છે. કેટલીય ફિલ્મોમાં જબરદસ્ત કામ કર્યું છે,’ એમ મદારીએ કહ્યું.

‘એટલે જ પથારી ગંદી કરી.’ નિર્દેશકે ફરિયાદ કરી. તરત જ મદારીએ બીજો સાપ કાઢ્યો.

એ ભારે તેજ અને ચતુર નીકળ્યો. ચાદર પર મૂકતા વેંત ફેણ માંડીને ઊભો થઈ ગયો. નિર્દેશક રાજી થઈ ગયા. ઝડપટ ત્રણ ચાર શોટ ઝડપી લીધા. પછી કાચની પ્લેટ પર લોહીની રેખા દોરીને થોડાક શોટ્સ લીધા અને કિમીને બોલાવવામાં આવી.

ફફડતી કિમી આવી ત્યાં સુધી નિર્દેશકે પથારી પર અડધો ડઝન સાપ છોડી દીધેલા. એકબીજામાં લપેટાયેલા સાપોનું ગૂંચળું જોતાવેંત કિમીએ ચીસ પાડતા કહ્યું, ‘નહીં હું આ નહીં કરી શકું.’

આ સાચો એક્ટર… સાપ (મદારી અનેક સાપ લઈને ફિલ્મ સ્ટુડિયોમાં આવ્યો હતો

‘ચિંતા ન કર. તારે તો દૂર ઊભા રહીને જ શોટ આપવાનો છે.’ નિર્દેશકે કિમીનો ઉત્સાહ વધાર્યો.

‘આને શોટ કહેવાય? તમે તો સાપની દુકાન ખોલી દીધી છે. જોઈને જ મારો તો દમ નીકળી જાય છે.’

કિમી ડરતી ડરતી પથારીની નજીક આવી. કેમેરા મંડાયો. ત્યાં એક સાપ ફેણ માંડીને ડોલવા માંડ્યો. કિમી ચીસ પાડીને પાછળ ખસી ગઈ.

ડરતે મને સાપ સાથે શોટ આપવા કિમી કાટકર તૈયાર થઈ

સેટ પાસે ઊભેલા લોકો ખડખડાટ હસી પડ્યા. નિર્દેશક પણ કિમીની દશા જોઈને હસી પડ્યા. કિમીને માંડ ફરીથી મદારી પાસે લાવવામાં આવી. નિર્દેશકે એક સાપને હાથમાં લટકાવીને કિમીને કહ્યું, ‘જો તું તો અમથી જ ગભરાઈ ગઈ છે. આ બાપડા તો કંઈ જ કરતા નથી.’

કિમીએ ફરીથી હિંમત કરી અને પથારી નજીક આવતા બોલી, ‘એય સાપવાળા એનું મોં પેલી બાજુ કર.’

મદારીએ ફેણ માંડેલા સાપને ઘુમાવી દીધો. સાપ કેમેરા સામે જોવા લાગ્યો. કિમી શોટ માટે ઊભી હતી. કેમેરામેને ફ્રેમિંગ બરાબર છે કે નહીં એ જોઈને નિર્દેશકને ઈશારો કર્યો. નિર્દેશકે શોટ ઝડપવાનો ઈશારો કર્યો. આદેશ મળતા જ કિમીની એક આંખના છેડાથી જડબા સુધી લોહીની રેખા ખેંચવામાં આવી અને શોટ ઝડપી લીધો. એ જ શોટને બે વાર ફિલ્માવીને બેડરૂમનું શૂટિંગ પૂરું કર્યું.

(આ લેખ ‘ચિત્રલેખા’ ગ્રુપના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 16-31 ઓક્ટોબર, 1989ના અંકમાં પ્રકાશિત થયો હતો)

(અહેવાલઃ નરેન્દ્ર ઉપાધ્યાય, તસવીરોઃ હેમંત પીઠવા)