‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મ સામે વિરોધઃ લુધિયાણા, કોલકાતામાં ફિલ્મના શો રદ

નવી દિલ્હી – શિરોમણી અકાલી દળની દિલ્હી યુવા પાંખે થિયેટરમાલિકોને લેખિતમાં વિનંતી કરી છે કે તેઓ ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મને પ્રદર્શિત ન કરે, કારણ કે આ ફિલ્મમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ તથા ભારત દેશ, બંનેને વિશ્વસ્તરે બદનામ કરવામાં આવ્યા છે.

અનુપમ ખેરને ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહના પાત્રમાં ચમકાવતી આ ફિલ્મ આજથી રિલીઝ કરવામાં આવી છે.

દરમિયાન, પંજાબના લુધિયાણા શહેરમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ એક મલ્ટિપ્લેક્સમાં ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ ફિલ્મનો શો અટકાવ્યો હતો.

કોલકાતામાં, એક થિયેટરે આ ફિલ્મનો શો રદ કર્યો હતો. યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરેલા જોરદાર દેખાવોને લીધે સલામતી અંગે જોખમ જણાતા થિયેટરમાલિકે ફિલ્મનો શો રદ કર્યો હતો.