અભિનેતા ધર્મેન્દ્રને મહારાષ્ટ્ર સરકાર તરફથી ‘રાજ કપૂર જીવન ગૌરવ’ પુરસ્કાર

મુંબઈ – પીઢ બોલીવૂડ અભિનેતા ધર્મેન્દ્ર અને નિર્માતા રાજકુમાર હિરાનીને મહારાષ્ટ્ર દ્વારા અનુક્રમે ‘રાજ કપૂર લાઈફટાઈમ અચીવમેન્ટ’ અને ‘રાજ કપૂર વિશેષ યોગદાન’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આ જાહેરાત મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન વિનોદ તાવડેએ કરી છે.

પીઢ મરાઠી અભિનેતા વિજય ચવ્હાણને ‘વી. શાંતારામ લાઈફટાઈમ અચીવમેન્ટ’ એવોર્ડ આપવામાં આવશે જ્યારે અભિનેતા-દિગ્દર્શક મૃણાલ કુલકર્ણીને ‘વી. શાંતારામ સ્પેશિયલ કોન્ટ્રિબ્યૂશન’ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.

82 વર્ષીય અને બોલીવૂડના ‘હીમેન’ તરીકે જાણીતા ધર્મેન્દ્રએ ‘સત્યકામ’, ‘સીતા ઔર ગીતા’, ‘યાદોં કી બારાત’, ‘ચૂપકે ચૂપકે’, ‘શોલે’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

હિરાની ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘3 ઈડિયટ્સ’, ‘પીકે’ જેવી સફળ ફિલ્મોના દિગ્દર્શક છે.

હિરાની હાલ સંજય દત્તના જીવન પરથી બનાવેલી ફિલ્મની રિલીઝના કામમાં વ્યસ્ત છે.

બંને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રશસ્તિપત્ર અને રૂ. પાંચ લાખની રોકડ રકમના રૂપમાં આપવામાં આવે છે, જ્યારે સ્પેશિયલ કોન્ટ્રિબ્યૂશન એવોર્ડમાં પ્રશસ્તિપત્ર અને રૂ. 3 લાખનું રોકડ ઈનામ આપવામાં આવે છે.

‘રાજ કપૂર પુરસ્કાર’ના વિજેતાની પસંદગી માટે સાંસ્કૃતિક પ્રધાન વિનોદ તાવડેના અધ્યક્ષપદ હેઠળની સમિતિના અન્ય સભ્યો છે – નાના પાટેકર, સમીર (ગીતકાર) અને સુરેશ ઓબેરોય.

રાજ્ય સરકારે સ્થાપેલા આ એવોર્ડ આવતી 30 એપ્રિલે મુંબઈમાં યોજાનાર 55મા મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી ફિલ્મ ફેસ્ટિવલ વખતે એનાયત કરવામાં આવશે.