દીપિકા અભિનીત ‘છપાક’નું દિલ્હીમાંનું શૂટિંગ પૂરું થયું

મુંબઈ – મેઘના ગુલઝાર દિગ્દર્શિત નવી હિન્દી ફિલ્મ ‘છપાક’નું દિલ્હીમાંનું શૂટિંગ પૂરું કરી દેવામાં આવ્યું છે.

આ ફિલ્મમાં દીપિકા પદુકોણ અને વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકા કરી રહ્યા છે.

મેઘના ગુલઝારે ટ્વીટ કરીને જાણ કરી છે કે, ‘આ ફિલ્મના નિર્માણમાં અડધી મજલ પૂરી કરી દેવાયાનો આનંદ છે. દિલ્હી શેડ્યૂલ પૂરું થઈ ગયું છે.’

‘છપાક’ ફિલ્મ એસિડ હુમલામાં બચી ગયેલી લક્ષ્મી અગ્રવાલ નામની છોકરીનાં જીવન પર આધારિત છે. ‘છપાક’માં દીપિકા લક્ષ્મીનું પાત્ર ભજવી રહી છે, પણ એમાં એનું નામ ‘માલતી’ રાખવામાં આવ્યું છે.

આ ફિલ્મ 2020ની 10 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે.

દીપિકાએ ટ્વીટ કરીને કહ્યું છે કે ‘માલતી’નું પાત્ર મને જિંદગીભર યાદ રહી જશે. આની વાર્તા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને આ એક સત્યઘટના પર આધારિત છે. આશા છે કે આનું પરિણામ સારું આવશે.

ગયા માર્ચ મહિનામાં દીપિકાએ ‘છપાક’ ફિલ્મનું ફર્સ્ટ લૂક રિલીઝ કર્યું હતું જેમાં એ એસિડને કારણે બળી ગયેલી ચામડીના કૃત્રિમ ડાઘવાળા ચહેરા સાથે જોવા મળી હતી.

હજી ગઈ કાલે જ દીપિકા અને વિક્રાંતનો કિસિંગ સીન લીક થયો હતો.

ઓનલાઈન લીક થયેલા વિડિયોમાં બંને જણ ફિલ્મના શૂટિંગ વખતે છત પર બેસીને એકબીજા સાથે રોમાન્સ કરતા અને કિસ કરતાં જોવા મળ્યા છે.