જવાહરલાલ નેહરુનો જન્મદિવસ એટલે ‘બાલદિન’; ભૂતપૂર્વ PM જ્યારે પ્રદીપજીનું ગીત સાંભળીને રડી પડ્યા હતા

મુંબઈ – ભારતમાં દર વર્ષે ૧૪ નવેમ્બરનો દિવસ બાલદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૪ નવેમ્બરની તારીખ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જન્મતિથિ છે અને એમને અંજલિ તરીકે એમના જન્મદિવસને બાલદિન તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, નેહરુ બાળકો પ્રત્યે એમના પ્રેમને કારણે જાણીતા હતા અને બાળકો એમને ચાચા નેહરુ કે ચાચાજી તરીકે બોલાવતા હતા.

નેહરુનો જન્મ ૧૮૮૯ની ૧૪ નવેમ્બરે થયો હતો.

૧૪ નવેમ્બરે બાળકોને ચોકલેટ તથા ભેટ આપીને ખુશ કરવામાં આવે છે. શાળાઓ પણ ચર્ચાસત્ર, સંગીત તથા નૃત્યના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. અનાથ બાળકોને વસ્ત્રો, રમકડાં તથા પુસ્તકો જેવી ભેટસોગાદ આપવાની દેશમાં સામાન્ય પ્રથા રહેલી છે.

૧૯૬૪ પહેલાં ભારતમાં દર ૨૦ નવેમ્બરે બાલદિન ઉજવવામાં આવતો હતો. સંયુક્ત રાષ્ટ્રો સંસ્થા દ્વારા દુનિયાભરમાં એ તારીખે બાલદિવસ ઉજવવામાં આવે છે. પરંતુ, ૧૯૬૪માં નેહરુના નિધન બાદ એવું સર્વાનુમતે નક્કી કરાયું હતું કે નેહરુને બાળકો પ્રત્યે જે વહાલ તથા પ્રેમ હતો એને ધ્યાનમાં લઈને દેશભરમાં નેહરુના જન્મદિવસને બાલદિન તરીકે ઉજવવો.

નેહરુની વાત આવે ત્યારે જૂના જમાનાના લોકોને તથા ફિલ્મરસિયાઓને સહજપણે કવિ પ્રદીપજી પણ યાદ આવ્યા વિના ન રહે.

નેહરુને કોણે રડાવ્યા હતા?

આ જ જવાહરલાલ નેહરુ હિન્દી ફિલ્મી ગીતો પ્રત્યે પણ સંવેદનશીલ હતા. એવા બે ગીત છે જે સાંભળીને નેહરુની આંખો ભીની થઈ ગઈ હતી.

કવિ પ્રદીપજી લિખિત ગાયન – ‘આજ હિમાલય કી ચોટી સે ફિર હમને લલકારા હૈ, દૂર હટો અય દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ’ સાંભળીને નેહરુની આંખો ભીંજાઈ ગઈ હતી.

એવી જ રીતે, લતા મંગેશકરે જ્યારે ‘અય મેરે વતન કે લોગો, જરા આંખોમેં ભર લો પાની જો શહીદ હુએ હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની’ ગીત ગાયું હતું ત્યારે પણ નેહરુ એ સાંભળીને રડી પડ્યા હતા. આ દેશભક્તિ ગીત પણ હિન્દી સાહિત્યના દિગ્ગજ કવિ પ્રદીપજીએ જ લખ્યું હતું. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ બાદ દેશભક્તોનું મનોબળ વધારવા માટે કવિ પ્રદીપજીએ આ ગીત લખ્યું હતું અને ૧૯૬૩ની ૨૭ જાન્યુઆરીની સાંજે દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં ખાસ કાર્યક્રમમાં લતા મંગેશકરે તે ગાયું હતું. એ વખતે નેહરુ ઉપરાંત એમની કેબિનેટના તમામ પ્રધાનો ઉપરાંત દિલીપ કુમાર, દેવ આનંદ, રાજ કપૂર, રાજેન્દ્રકુમાર, ગાયક મોહમ્મદ રફી, સંગીતકાર-ગાયક હેમંતકુમાર જેવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો પણ હાજર રહ્યા હતા, પણ પ્રદીપજી પોતે હાજર નહોતા. ત્યારબાદ, ૨૧મી માર્ચ, ૧૯૬૩ના રોજ નેહરુ મુંબઈ ગયા હતા અને આર. એમ. હાઈસ્કૂલમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે કવિ પ્રદીપ પણ ત્યાં હાજર હતા અને એમણે નેહરુ માટે આ ગીત ગાયું હતું અને કવિતાની હાથથી લખેલી નકલ એમને ભેટ આપી હતી.

પ્રદીપજીએ મુંબઈના માહિમ બીચ પર લટાર મારતાં ગીતના શબ્દો લખ્યા હતા

પ્રદીપ પણ દરેક ભારતીયની જેમ ૧૯૬૨માં ચીન સામેના યુદ્ધમાં ભારતના પરાજયથી નિરાશ થયા હતા. એક દિવસ મુંબઈના માહિમ બીચ પર એ લટાર મારવા નીકળ્યા હતા ત્યારે એમનાં મનમાં આ ગીતના શબ્દો આવ્યા હતા. એમણે એમના મિત્ર પાસેથી પેન માગી હતી અને સિગારેટના બોક્સમાંથી કાગળ કાઢીને એના પર લખી લીધું હતું ‘અય મેરે વતન કે લોગોં, જરા આંખો મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈં ઉનકી જરા યાદ કરો કુરબાની.’

ઉક્ત બંને ગીતે ભારતીય એકતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્વાતંત્ર્ય દિવસ તથા પ્રજાસત્તાક દિવસે ઉજવણી કાર્યક્રમોમાં આ ગીતો વગાડવામાં આવે છે.

કવિ પ્રદીપ વિશે ‘જી’ ગુજરાતી મેગેઝિનના કટારલેખક અજિત પોપટે ૧૯૯૮ના ૧૬-૩૧ જુલાઈ અંકમાં લખેલા લેખની પીડીએફ આવૃત્તિ અહીં આપેલી છે. નીચેની લિન્ક પર ક્લિક કરો…

https://chitralekha.com/kavipradeep.pdf