બ્રિંદા રાય કદાચ દીકરી ઐશ્વર્યા બચ્ચનનાં ઘેર રહેશે

મુંબઈ – બાન્દ્રા (વેસ્ટ)માં આવેલા જાણીતા ‘લા મેર’ બિલ્ડિંગમાં બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનનો ફ્લેટ છે જ્યાં એનાં માતા બ્રિંદા રાય છેલ્લાં ૨૦ વર્ષથી રહે છે, પણ ગયા મંગળવારે આ બહુમાળી હાઉસિંગ ઈમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ બ્રિંદા રાયની સલામતી વિશે ઐશ્વર્યા અને એનો પતિ અભિષેક બચ્ચન ચિંતિત થયા છે અને બ્રિંદા રાય કદાચ હવે ઐશ્વર્યાનાં જુહૂ વિસ્તાર સ્થિત ઘેર રહેવા જશે એવું ઐશ્વર્યાની નિકટનાં સૂત્રોનું કહેવું છે.

વૈભવશાળી એવા ‘લા મેર’ બિલ્ડિંગમાં ઐશ્વર્યા ઉપરાંત સચીન તેંડુલકર સહિત અન્ય નામાંકિત વ્યક્તિઓનાં ફ્લેટ છે.

ઐશ્વર્યા શરૂઆતનાં ઘણાં વર્ષો સુધી અને અભિષેક બચ્ચન સાથે લગ્ન થયા ત્યાં સુધી ‘લા મેર’ બિલ્ડિંગમાં એનાં માતા-પિતા સાથે રહેતી હતી. ઐશ્વર્યાનાં પિતા કૃષ્ણરાજ રાયનું ગયા માર્ચમાં નિધન થયા બાદ બ્રિન્દા રાય ‘લા મેર’માં એકલાં રહે છે. એમાં ગયા મંગળવારે આગની ઘટના બાદ એમની સલામતી વિશે ઐશ્વર્યા અને અભિષેકને ચિંતા થઈ છે.

કૃષ્ણરાજ રાયના નિધન બાદ ઐશ્વર્યા અને અભિષેક બ્રિંદા રાયને સમજાવી રહ્યા હતા કે તેઓ જુહૂ સ્થિત એમનાં ઘેર રહેવા આવી જાય જેથી તેઓ એમની દોહિત્રી આરાધ્યાની સાથે રહી શકે, પણ બ્રિંદા રાય ઘર બદલવાનું ટાળતાં હતાં.

પરંતુ, ઐશ્વર્યા અને અભિષેક અડગ રહ્યા હતા કે બ્રિંદા રાય એમનાં ઘેર રહેવા આવી જાય. એમાં ‘લા મેર’માં આગની ઘટના બાદ બ્રિંદા રાયે આખરે દીકરી-જમાઈની સાથે રહેવા જવાનું નક્કી કરી લીધું હોવાનું બચ્ચન પરિવારની નિકટના એક સૂત્રએ જણાવ્યું છે.

૧૬-માળવાળા ‘લા મેર’ બિલ્ડિંગના ૧૩મા માળ પર આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તરત જ પહોંચી જઈને આગને કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. ઐશ્વર્યાનાં માતા ૧૨મા માળ પર રહે છે.