બોલીવૂડના ફેવરિટ શમ્મી આન્ટીનું નિધન; મુંબઈમાં અંતિમક્રિયા કરાઈ

મુંબઈ – લગભગ છ દાયકા સુધી એક જ પ્રકારનું પાત્ર ભજવીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘શમ્મી આન્ટી’ તરીકે પ્રખ્યાત થયેલા ચરિત્ર અભિનેત્રી નરગિસ રબાડીનું બીમારી તથા વૃદ્ધાવસ્થાને કારણે આજે અહીં નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા.

શમ્મીના ફિલ્મી નામે જાણીતાં આ અભિનેત્રી પારસી કોમનાં હતા. આજે અહીં જોગેશ્વરી સ્મશાનભૂમિ ખાતે એમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. એ વખતે આશા પારેખ, ફરિદા જલાલ, બોમન ઈરાની, ફરાહ ખાન, અન્નુ કપૂર, પ્રિયા દત્ત સહિત અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.

શમ્મીએ ફિલ્મોમાં તેમજ ટીવી સિરિયલોમાં માસી-કાકી, દાદીમા, નાનીમા, પરિવારનાં મોટી ઉંમરના સ્ત્રી વગેરે પ્રકારની સહાયક ભૂમિકાઓ કરી હતી. એ મોટે ભાગે રમૂજી રોલ કરતા હતા. એમણે જેમાં અભિનય કર્યો હતો એવી ફિલ્મોના નામ છે – કુલી નંબર 1, મર્દોવાલી બાત, શિરીન ફરહાદ કી તો નિકલ પડી વગેરે. શમ્મીએ દેખ ભાઈ દેખ, ઝબાન સંભાલ કે, શ્રીમાન શ્રીમતી, કભી યે કભી વો, ફિલ્મી ચક્કર જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.

શમ્મી દંતકથાસમા બોલીવૂડ નિર્માતા સ્વ. સુલતાન એહમદના પત્ની હતા.

અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, અભિષેક બચ્ચન, દિવ્યા દત્તા, ફરાહ ખાન, ડિઝાઈનર સંદીપ ખોસલા વગેરે બોલીવૂડ હસ્તીઓએ ટ્વીટ કરીને શમ્મીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અમિતાભે લખ્યું છે કે શમ્મી આન્ટી પ્રતિભાશાળી અભિનેત્રી હતા અને અમારા પરિવારનાં મિત્ર હતા.

અમિતાભે શમ્મી આન્ટી સાથે એમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે.