જિતેન્દ્રએ હીરોઈનનાં ડમી તરીકે કામ કર્યું હતું..!!; વિનીતને જ્યારે અસલી મુક્કાબાજ બનવું પડ્યું..!!

 

નિલેશ ચશ્માવાલા (દ્વારકા)

જિતેન્દ્રએ હીરો બનતાં પહેલાં કેવા તબક્કા પસાર કર્યા હતા?

1959માં દિગ્દર્શક વી. શાંતારામની ફિલ્મ ‘નવરંગ’માં જિતેન્દ્ર એકસ્ટ્રા કલાકાર તરીકે પ્રથમ પસંદગી પામ્યા હતા. એ ફિલ્મમાં શાંતારામે જિતેન્દ્રને અભિનેત્રી સંધ્યાનાં ‘ડમી’ બનવા કહ્યું હતું. એ ફિલ્મના પાંચ વર્ષ બાદ શાંતારામે એમની નવી ફિલ્મ ‘ગીત ગાયા પથ્થરોંને’માં જિતેન્દ્રને હીરો તરીકે ચમકાવ્યા હતા. એમાં જિતેન્દ્રની હીરોઈન હતી શાંતારામની પુત્રી રાજશ્રી.
(‘ચિત્રલેખા’ ગ્રુપના ‘જી’ મેગેઝિનના ઓક્ટોબર-1992ના અંકમાંથી સાભાર)


‘મુક્કાબાઝ’ માટે વિનીતને જ્યારે ઘરનો સામાન વેચવો પડ્યો…
નવી જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘મુક્કાબાઝ’ને બોક્સ ઓફિસ પર આરંભે સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મની વાર્તા બરેલી શહેરના મુક્કાબાજ શ્રવણકુમાર સિંહની છે. આ રોલ ભજવ્યો છે બનારસના રહેવાસી વિનીત કુમાર સિંહે. ‘મુક્કાબાઝ’ની વાર્તા વિનીત અને એની બહેન મુક્તિએ સાથે મળીને લખી હતી. બે વર્ષ સુધી એની વાર્તાનું કોઈ લેવાલ નહોતું મળતું. અંતે અનુરાગ કશ્યપ ફિલ્મ બનાવવા તૈયાર થયા, પણ વિનીતની શરત હતી કે ફિલ્મનો હીરો પોતે જ બનશે. તો સામે કશ્યપની શરત હતી કે વિનીતે રીયલ મુક્કાબાજ બનવું પડશે. વિનીતે બોક્સિંગની તાલીમ લેવા માટે પટિયાલા જવાનું નક્કી કર્યું, પણ એની પાસે પૈસા નહોતા. એણે ઘરવખરી વેચીને જે પૈસા મળ્યા એ લઈને પટિયાલા જઈને તાલીમ લીધી. 2017માં કશ્યપ પ્રભાવિત થયા અને ફિલ્મ બનાવવા તૈયાર થયા હતા.