દીપિકાનાં હસ્તે હેમા માલિનીનાં જીવનપરિચય પુસ્તકનું વિમોચન

મુંબઈ – હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય હેમા માલિનીનાં જીવન પર આધારિત લખાયેલા અંગ્રેજી પુસ્તક ‘બીયોન્ડ ધ ડ્રીમ ગર્લ’નું બોલીવૂડની વર્તમાન ટોચની હિરોઈનોમાંની એક, દીપિકા પદુકોણનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ ગઈકાલે સોમવારે સાંજે અહીં યોજવામાં આવ્યો હતો. સોમવારે હેમા માલિનીનો ૬૯મો જન્મદિવસ હતો.

આ પુસ્તક રામ કમલ મુખરજી દ્વારા લખવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમાં પ્રસ્તાવના લખી છે.

પુસ્તક વિમોચન પ્રસંગે હેમા માલિનીની બંને પુત્રી – એશા અને આહના, એશાનાં પતિ ભરત તખ્તાની ઉપસ્થિત રહ્યાં હતાં. તે છતાં હેમાનાં પતિ ધર્મેન્દ્ર ગેરહાજર હતા.

૩૧ વર્ષીય દીપિકા ફેશન ડિઝાઈનર સબ્યાસાચી દ્વારા ડિઝાઈન કરાયેલી લાલ રંગની બનારસી સાડી પહેરી હતી અને ગોલ્ડ નેકલેસ તથા ઈયરિંગ્સમાં એ સુંદર દેખાતી હતી. હેમા બ્લુ રંગની સાડીમાં સજ્જ હતાં.

આહના દેઓલ-વોરા, દીપિકા, હેમા, એશા તખ્તાની

એશા દેઓલ-તખ્તાની ગર્ભવતી છે. આહના વૈભવ વોરાને પરણી છે અને એમને એક પુત્ર છે.

અભિનેત્રી મધુ, જે હેમા માલિનીનાં પિતરાઈ બહેન છે, તેઓ પણ આ પ્રસંગે હાજર હતાં.

હેમા માલિનીએ ૧૯૬૮માં રાજ કપૂર અભિનીત ‘સપનો કા સૌદાગર’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એમની અભિનય કારકિર્દીનો આરંભ કર્યો હતો. ત્યારબાદ એમણે સીતા ઔર ગીતા, શોલે, ડ્રીમ ગર્લ, સત્તે પે સત્તા જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ કરી હતી. બેહદ સુંદરતાને માટે હેમા માલિની ‘ડ્રીમ ગર્લ’ ઉપનામથી પ્રચલિત થયાં છે.

હેમા માલિની ભારતનાટ્યમ નૃત્યમાં પણ પારંગત છે. હાલ તેઓ મથુરાનાં સંસદસભ્ય છે.

‘બીયોન્ડ ધ ડ્રિમ ગર્લ’ પુસ્તકમાં વાચકો હેમા માલિનીનાં જીવનને ઊંડાણપૂર્વક જાણી શકશે. ૨૩-પ્રકરણો ધરાવતા પુસ્તકમાં એમનાં બાળપણ, કિશોરાવસ્થા, ફિલ્મ કારકિર્દી, રોમાન્સ, સહયોગીઓ, લગ્ન, દિગ્દર્શન, નૃત્ય કળા, રાજકીય સફર તથા આધ્યાત્મિક જીવન પ્રતિ આકર્ષણ જેવી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે.

બે પ્રકરણ હેમાની પુત્રીઓ – એશા અને આહનાને સમર્પિત છે.

એશા દેઓલ તેનાં પતિ ભરત તખ્તાની સાથે