PETA સંસ્થા દ્વારા અનુષ્કા શર્મા ‘પર્સન ઓફ ધ યર’ ઘોષિત

મુંબઈ – પ્રાણીઓનાં અધિકારો માટે લડત ચલાવતી આંતરરાષ્ટ્રીય સંસ્થા પીપવ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA) દ્વારા બોલીવૂડ અનુષ્કા શર્માને ‘પર્સન ઓફ ધ યર’ ઘોષિત કરવામાં આવી છે.

હાલમાં જ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કરનાર અને પીકે, જબ તક હૈ જાન, ઐ દિલ હૈ મુશ્કિલ જેવી ફિલ્મોની અભિનેત્રી અનુષ્કા શાકાહારી છે. અનુષ્કા મુંબઈમાં બે પ્રકારની ઝુંબેશ ચલાવવા માટે જાણીતી છે અને એને કારણે જ ‘પીટા’ સંસ્થાએ એને ‘પર્સન ઓફ ધ યર’ માટે ઘોષિત કરી છે. અનુષ્કાએ એક ઝુંબેશ કૂતરાઓને ફટાકડાથી રક્ષણ મેળવવામાં મદદ કરવાની આદરી છે અને બીજી ઝુંબેશમાં એ ઘોડાઓની વહારે આવી છે અને એવી દલીલ કરી છે કે ઘોડાગાડીઓ ચલાવવાની ઘોડાઓને ફરજ પાડવામાં આવી રહી છે.

PETA સંસ્થાનાં એસોસિએટ ડાયરેક્ટર સચીન બંગેરાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અનુષ્કા પ્રાણીઓના અધિકારોની આદરણીય હિમાયતી છે. એનો કરુણાભર્યો સ્વભાવ અને પ્રાણીઓનાં અધિકારો માટે આદરેલી પહેલ પ્રશંસનીય છે.

બંગેરા વધુમાં કહે છે, PETA સંસ્થા દરેક જણને અનુષ્કાનું અનુસરણ કરવાની અપીલ કરે છે કે સૌએ આરોગ્યપ્રદ વનસ્પતિ આધારિત ભોજન ખાવું જોઈએ, યાતના ભોગવતા પ્રાણીઓના રક્ષણ માટે અવાજ ઉઠાવવો જોઈએ અને પ્રાણીઓને મદદરૂપ થવા કાયમ નવા પ્રયાસો કરવા જોઈએ.

અનુષ્કાને PETAએ 2015ની સાલમાં સંસ્થાની હોટેસ્ટ વેજિટેરિયન સેલિબ્રિટી તરીકે ઘોષિત કરી હતી.