પિતા અનિલ કપૂરને જન્મદિન નિમિત્તે સોનમ કપૂરનો હૃદયસ્પર્શી સંદેશ

0
2188

મુંબઈ – બોલીવૂડ અભિનેતા અનિલ કપૂર આજે એમનો 61મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એમની પર ફિલ્મ ઉદ્યોગમાંથી તેમજ પ્રશંસકો તરફથી અભિનંદનનો વરસાદ વરસ્યો છે. એવા ઘણા શુભેચ્છા સંદેશાઓમાં એક એમની અભિનેત્રી પુત્રી સોનમ કપૂરનો પણ છે, જે હૃદયસ્પર્શી છે.

સોનમે ઈન્સ્ટાગ્રામ પર એનાં પિતા અનિલ કપૂર સાથેની પોતાની બાળપણની એક તસવીર સાથે અન્ય તસવીરો પોસ્ટ કરી છે અને દરેક સાથે સુંદર સંદેશ પણ મૂક્યો છે.

એક તસવીરની કેપ્શનમાં સોનમે લખ્યું છે કે ‘મુબારકાં’ ફિલ્મના કલાકાર અનિલ કપૂર મારાં પિતા છે એ બદલ હું પોતાને નસીબદાર માનું છું.

સોનમે અનેક ટ્વીટ્સ કરીને લખ્યું છે કે, હું જેમાં મક્કમપણે માનતી હોઉં એ હાંસલ કરવા માટે લડી લેવા તેમજ સપનાંને સાકાર કરવા માટે ક્યારેય ન અટકવાનું મને શીખવનાર વ્યક્તિ એટલે કે મારાં પિતાને હેપ્પી બર્થડે. એક સ્ત્રી તરીકે આજે જે કંઈ બની શકી છું એ તમારાં વિના અડધા ભાગની પણ બની શકી ન હોત. અને માટે જ મને આપની પર અપાર પ્રેમ છે.

એક વધુ ટ્વીટમાં સોનમે લખ્યું છે, મને સમજી શકે એવું આ જગતમાં તમારા સિવાય બીજું કોઈ નથી. હું ખરેખર આપની ઋણી છું. હેપ્પી બર્થડે ડેડી. જીવનમાં પિતા તરીકે તમને મેળવીને હું પોતાને ખૂબ જ નસીબદાર ગણું છું. તમે મારાં પ્રેરણાસ્રોત છો.

અનિલ કપૂરને બીજી અનેક બોલીવૂડ હસ્તીઓએ પણ જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. એમાં અનુપમ ખેર, ફરાહ ખાન, શેખર કપૂર, રીતેશ દેશમુખનો સમાવેશ થાય છે.

રીતેશે એક ટ્વીટમાં અનિલ કપૂરને ઉદ્દેશીને લખ્યું છે કે, તમે 1980ના દાયકામાં, 90ના કે 2000ના કે 2010ના દાયકામાં પણ એક સરખા જ દેખાવ છો. તમે ડ્રામા, એક્શન, રોમાન્સ, કોમેડી એમ બધા જ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. તમારામાં જે ઊર્જાશક્તિ અને જુસ્સો છે એ કોઈ નવા કલાકારને પણ શરમાવે એવાં છે. આપને વેરી હેપ્પી બર્થડે. વી લવ યૂ અનિલ સર.